અનેક ગુજરાતી–હિન્દી ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતાથી દર્શકોનાં દિલ જીતનાર સુપ્રિયા પાઠકના આગામી ફિલ્મ છે રશ્મિ રૉકેટ. સત્ય ઘટના પર આધારિત રશ્મિ રૉકેટમાં મુખ્ય ભૂમિકા તાપસી પન્નુએ ભજવી છે પણ ફિલ્મમાં રશ્મિને એની મંજિલ સુધી પહોંચાડવામાં રશ્મિની માતાની ભૂમિકા ભજવનારાં સુપ્રિયા પાઠક મહત્ત્વનો ભાગ ભજવે છે. રશ્મિ રૉકેટ 15 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે ત્યારે પ્રસ્તુત છે સુપ્રિયા પાઠકે ફિલ્મી ઍક્શનને આપેલી મુલાકાતના અંશ.
સુપ્રિયાજી, રશ્મિ રૉકેટમાં આપની ભૂમિકા કેવા પ્રકારની છે?
ફિલ્મમાં મેં રશ્મિની માતાની ભૂમિકા ભજવી છે. એક એવી મહિલા જે સ્ટ્રોંગ છે અને તમામ પડકારોને પહોંચી વળવા સક્ષમ છે. દીકરીની મહેચ્છા પૂરી કરવા અને આગળ વધારવા માટે સતત પ્રોત્સાહન આપતી રહે છે. એક રીતે એ રશ્મિની ‘બેક બોન’ છે.
આજની પેઢીની અભિનેત્રી તાપસી પન્નુ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
ઘણો સારો. આજની પેઢીના કલાકારો ઘણા મહેનતુ અને સમર્પિત છે. પોતાનું પાત્ર ભજવવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. પાત્રને આત્મસાત કરવા ઘણી મહેનત કરે છે. તાપસીએ પણ રશ્મિનું પાત્ર ભજવવા ફિલ્મનું શૂટિંગ શરૂ થયું એ પહેલાંથી તાલિમ લેવાની શરૂઆત કરી દીધી હતી.
ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હોત તો સારૂં થાત એવું નથી લાગતું?
કલાકારોની એક જ મહેચ્છા હોય છે કે તેમનું કામ વધુમાં વધુ દર્શકો સુધી પહોંચે. માધ્યમ ભલે ગમે તે હોય. અને ઓટીટી પ્લેટફોર્મ પર પણ તમે કલ્પના ન કરી હોય એવા વિષય પર વેબ સિરીઝ કે ફિલ્મ જોવા મળે છે. અહીં પણ ઘણા ક્રિએટિવ લોકો છે.
તમે કોવિડ-19 મહામારી દરમિયાન ફિલ્મનું શૂટિંગ કર્યું તો કોઈ જાતનો ડર…
એક વાતની સ્પષ્ટતા કરી લઉં કે અમે ફિલ્મનનું શૂટિંગ શરૂ કર્યુ ત્યારે મહામારીનું જોર ઓછું થયું હતું. આમ છતાં અમે પૂરી માનસિક-શારીરિક તૈયારી સાથે સેટ પર ગયા હતા. હા, આપણે સાવચેત રહેવું જોઇએ અને આપણે કેરફુલ રહેવું જોઇએ.
કેરી ઑન કેસર જેવી અર્થપૂર્ણ ફિલ્મ કર્યા બાદ હાલ કોઈ ગુજરાતી ફિલ્મ કરી રહ્યા છો?
હમણાં જ મેં રાજુભાઈ ઢોકળાવાળા ફિલ્મ પૂરી કરી. બીજું, મને ફિલ્મોની સંખ્યામાં રસ નથી મને ક્વૉલિટી કામ કરવાની મજા આવે છે. અને એટલા માટે હું એક જ પ્રકારની ભૂમિકા ફરી કરવાનું મને પસંદ નથી, મારી ક્ષમતા મુજબની કે પડકારજનક ભૂમિકા ભજવવી ગમે છે. ફિલ્મ ગુજરાતી હોય કે હિન્દી પાત્ર દમદાર હોવું જોઇએ.
અગાઉ તમે અને પંકજજીએ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું અને એક સિરિયલ પણ બનાવી તો હવે કોઈ સિરિયલ બનાવવાનું પ્લાનિંગ છે ખરૂં?
અમને એવા શો બનાવવામાં રસ છે જે કંઇક હટકે હોય. વચ્ચે એવી સિરિયલોનો રાફડો આવ્યો એ પ્રકારનો શો બનાવવા અમે તૈયાર નહોતા. જોકે એક વાત તમને જણાવી દઉં કે અમે એક વેબ સિરીઝ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છીએ. પણ હાલ અમે બંને બિઝી હોવાથી એ ક્યારે શરૂ થશે એ ચોક્કસપણે કહી શકીશ નહીં.