કોરોના મહામારીએ તમામ પ્રકારના બિઝનેસ ઠપ કરી દીધા છે અને એમાં એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં, ટીવી, નાટક, વેબ સિરીઝ સહિતના તમામ માધ્યમો છેલ્લા બે મહિનાથી લૉકડાઉનમાં છે. શૂટિંગ, થિયેટર, નાટ્યગૃહો બંધ હોવાથી કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જ્યારે એમાં કામ કરતા નીચલા સ્તરના કર્મચારીઓ કે જુનિયર આર્ટિસ્ટને તો ગુજારો કેમ કરવો એવો પ્રશ્ન ખડો થયો છે. જોકે ગુજરાતી નાટ્યસૃષ્ટી હોય કે મરાઠી, ખમતીધર નિર્માતાઓ જરૂરિયાતમંદ લોકોની સહાય માટે આગળ આવ્યા છે. તો ગુજરાતી-મરાઠી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોચના કલાકારો, નિર્માતાઓ અને અસોસિયેશનોએ મદદનો હાથ લંબાવ્યો છે. એટલું જ નહીં, ભવિષ્યમાં આવનારી મુસીબતોનો સામનો કરવા પણ સજ્જ થયા છે.
છેલ્લા બે મહિનાથી તમામ થિયેટરો બંધ કરાયા હોવાથી નાટ્યસૃષ્ટી લૉકડાઉન છે. એક અંદાજ મુજબ જો એક અઠવાડિયાના તમામ શો બંધ રહે તો નિર્માતાને ૬૦-૭૦ લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. એટલે છેલ્લા બે મહિના દરમ્યાન ગુજરાતી નાટ્યસૃષ્ટીને કેટલું નુકસાન પહોંચ્યું હશે એનો અંદાજ લગાવી શકાય છે. ઉપરાંત દરેક નાટક સાથે સંકળાયેલા લેખક, દિગ્દર્શક, કલાકાર, સેટ કે લાઇટ ડિઝાઇનર, મેકઅપ મેન, મ્યુઝિક કો-ઓર્ડિનેટર, સેટ લગાડનારાઓને થયેલું આર્થિક નુકસાન અલગ. મરાઠી નાટ્યજગતની જેમ ગુજરાતી નિર્માતા કે કલાકાર-કસબીઓનું કોઈ સંગઠન ન હોવાથી વ્યક્તિગત રીતે જરૂરિયાતમંદોને સહાય પહોંચાડવામાં આવતી હતી. હજુ લૉકડાઉન ક્યારે ખુલે અને નાટ્યગૃહોને ક્યારે પરવાનગી મળે એ બાબત નિશ્ચિત ન હોવાથી મનોજ જોશી, રાજેન્દ્ર બુટાલા, કૌસ્તુભ ત્રિવેદી, સંજય ગોરડિયા અને ભરત નારાયણદાસ ઠક્કર જેવા ટોચના સર્જકોએ સંગઠન બનાવવાની શરૂઆત કરવાની સાથે જરૂરિયાતમંદોને સહાય પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરી છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આમેય પગભર થવાની કોશિશ કરી રહી હતી. માંડ માંડ અચ્છે દિનની શરૂઆત થઈ ત્યાં કોરોનાએ પાછા બૂરે દિન બતાવ્યા. લૉકડાઉન અમલમાં આવ્યો ત્યારે થિયેટરમાં સારો એવો ધંધો કરી રહેલી ફિલ્મના નિર્માતાને તો નુકસાન સહેવું પડ્યું. પરંતુ માર્ચ-એપ્રિલ-મેમાં રિલીઝ માટે તૈયાર ફિલ્મોની રજૂઆત પણ અટકી પડી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા-દિગ્દર્શક હરસુખ પટેલે જણાવ્યું કે ૧૫-૨૦ ફિલ્મોના શૂટિંગ પતી ગયા છે અને હાલ પોસ્ટ પ્રોડક્શન તબક્કામાં છે એમનું કામ અટકી ગયું છે. લૉકડાઉન ખુલે અને ફિલ્મો રેડી થાય તો પણ એ કેવી રીતે રિલીઝ કરવી એ એક સવાલ છે. કારણ, થિયેટર ખોલવાની મંજૂરી મળ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટેના કેવા નીતિનિયમો બને છે એના પર બધો આધાર રહેલો છે.
ઢોલિવુડના અગ્રણી નિર્માતા-દિગ્દર્શક નિલેશ મહેતાએ જણાવ્યું કે નિર્માતા તો તકલીફમાં છે જ કારણ એક અંદાજ મુજબ તમામ ફિલ્મો મળી સર્જકોના લગભગ ૧૫-૨૦ કરોડ રૂપિયા અટવાયા છે. એ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સ્પૉટબાયથી લઈ તમામ ટેક્નિશિયનો, જુનિયર આર્ટિસ્ટ, ડાન્સર્સ મળી ૬-૭ હજાર લોકોની રોજીરોટીનો સવાલ ઊભો થયો છે. ફિલ્મ સાથે સંકળાયેલા લોકોની સાથે થિયેટરના ડૉરકીપરથી લઈ કેન્ટીન ચલાવનારા કે અન્ય કર્મચારીઓ કેવી પરિસ્થિતિમાં રહેતા હશે એની તો કલ્પના જ કરવી રહી.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આવા જરૂરિયાતમંદ લોકોને સહાય કરવા અભિલાષ ઘોડા અને તેમની ટીમ છેલ્લા એકાદ મહિનાથી ભારે જહેમત ઉઠાવી રહી છે. તેમણે તમામ શહેરોમાં પ્રતિનિધિ નિયુક્ત કરી વધુમાં વધુ લોકોને સહાય પહોંચે એવી વ્યવસ્થા ઊભી કરી છે.
ગુજરાતી ટીવી ઇન્ડસ્સ્ટ્રીની વાત કરીએ તો હાલ માત્ર કલર્સ ચૅનલ અને દૂરદર્શન પર જ સિરિયલ્સ અને રિયાલિટી શોનું પ્રસારણ થઈ રહ્યું છે. લૉકડાઉનને કારણે તમામ સિરિયલ્સનું શૂટિંગ બંધ થવાને કારણે નિર્માતાઓને બે મહિના દરમ્યાન દોઢથી બે કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
હવે આપણે હિન્દી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ૭૦ જેટલી હિન્દી ફિલ્મોનું કામ અટકી પડ્યું છે. તો મરાઠીમાં ૪૦ ફિલ્મના સર્જકો લૉકડાઉન ખુલવાની રાહ જોઈ રહ્યા છે. ૧૦ ઓટીટી અને ૧૧૦ સિરિયલ્સ પણ અટવાઈ પડી છે. શૂટિંગ અટકી જતા ઇન્ડસ્ટ્રીના લગભગ ત્રણેક લાખ કામગારો અને ટેક્નિશિયનો અત્યારે ઘરે બેસવાનો વારો આવ્યો છે. આ બે મહિના દરમ્યાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ૨૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે તો હિન્દી સિરિયલોના નિર્માતાઓએ કરેલા ૫૦૦૦ કરોડ રૂપિયાના રોકાણનું ભાવિષ્ય અદ્ધરતાલ જણાઈ રહ્યું છે.
એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીને સતાવતી અનેક સમસ્યાઓને ધ્યાનમાં રાખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ અસોસિયેશનોએ ગ્રીન ઝોનમાં શૂટિંગ શરૂ કરવાની, પોસ્ટ પ્રોડક્શન કામને પરવાનગી આપવાની સાથે સોશિયલ ડિસ્ટિન્સંગ જળવાય એ રીતે થિયેટર શરૂ કરવાની મંજૂરી આપવા જેવી માગણી કરી છે. એ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રાહત આપવા એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ, જીએસટીમાં રાહત આપવાની સાથે ઓછા વ્યાજ દરની લોન ઉપલબ્ધ કરાવવાની પણ વિનંતી કરી છે.