કોરોના મહામારીમાં એક સુખદ સમાચાર આવ્યા છે. ઢોલિવુડ-બૉલિવુડ અને ટેલિવુડના પીઢ કલાકાર કિરણ કુમાર કોરોના મુક્ત થયા હોવાનું ખુદ કિરણ કુમારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે. તેમના જ શબ્દોમાં…

ક્યારેય કલ્પનામાં પણ ન વિચાર્યું હોય એવું ભયાવહ સપનું! પણ હવે સુરક્ષિત છું.

થોડા અઠવાડિયા અગાઉ રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ગયો હતો. ત્યાં તેમને અમુક ટેસ્ટ કરાવવા જણાવ્યું જેમાં સરકારની માર્ગદર્શિકા મુજબ કોરોના ટેસ્ટ પણ ફરજિયાતપણે કરવાનો હતો. મારી પુત્રી પણ મારી સાથે હતી. અમે ટેસ્ટને મજાકમાં લીધો અને આ એક ફોર્માલિટી છે અને અમે પાછા ઘરે મોજમાં રહીશું.

પરંતુ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રિપોર્ટ પોઝિટિવ આવ્યાના કલાકમાં તો ઘરને કોર્ડન કરી લેવાયું અને એ આઇસોલેશન ઝોનમાં ફેરવાઈ ગયું. ખારની હિન્દુજા અને લિલાવતિ હોસ્પિટલના ડૉક્ટર્સે ભયનો માહોલ ન સર્જાય એ માટે અમને પૂરી જાણકારી આપી. મુંબઈ મહાપાલિકાએ મારા સ્ટેટસની જાણકારી આપવાની સાથે તમામનો વિટામિન્સ ડૉઝ વધાર્યો. આજે ફરી કોવિડ-19 ટેસ્ટ કરાયા બાદ મને જણાવતા આનંદ થાય છે કે ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જોકે મારું ફૅમિલી આજે પણ આઇસોલેશનના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરી રહ્યું છે.

હજુ પણ મારો સમય મેડિટેશન, ઓટીટી કન્ટેન્ટ જોવામાં અને પુસ્તકો વાંચવામાં ગાળી રહ્યો છું. એવા ઘણા પુસ્તકો હતા જે ખરીદ્યા બાદ વાંચી શક્યો નહોતો એ વાચવાનો અવસર મળ્યો.

આવા પડકારજનક સમયમાં સાથ આપનાર તમામ સ્ટાફનો આભાર માનું છું. ઉપરાંત મિત્રો અને પરિવારજનો જેઓ આવા કટોકટીના સમયમાં પણ વિચલિત થયા વિના આપેલા સાથને કારણે હું આજે સાજોનરવો આપની સમક્ષ પાછો આવ્યો છું. તો મારા સાળા ડૉક્ટર દીપક ઉગ્રા જેઓ એક સુપરમૅનની જેમ મારી પડખે ઊભા રહ્યા.

આપનો કિરણ કુમાર

કિરણ કુમારને હિન્દી ફિલ્મોમાં કામ મળતું બંધ થયું એટલે તેમણે ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કરી અને તેઓ ગુજરાતના એન્ગ્રી યંગ મેન તરીકે ખ્યાતિ પામ્યા. તેમની ફૂટપાથની રાણી, ગંગાપુરની ગંગા, રાખનાં રમકડાં, અલબેલી નાર, મોટાભા, જાગ્યા ત્યારથી સવાર જેવી અનેક ફિલ્મો સુપરહિટ થઈ હતી. ગુજરાતી ફિલ્મમાં સ્ટારડમ ભોગવી રહ્યા હતા ત્યારે તેમને તેઝાબ ફિલ્મની ઑફર આવી. આ ફિલ્મની તેમની લોટિયા પઠાનની ભૂમિકા એટલી પોપ્યુલર થઈ કે ફરી હિન્દી ફિલ્મોની ઢગલાબંધ ઑફરો આવવાની શરૂઆત થઈ. ઉપરાંત તેમણે મિલી, ગૃહસ્થી, ઝિંદગી જેવી અનેક લોકપ્રિય સિરિયલોમાં પણ કામ કર્યું છે.

આ અગાઉ બૉલિવુડની ગાયિકા કનિકા કપૂર, નિર્માતા કરિમ મોરાની અને તેમની પુત્રીઓ ઝોઆ અને શાઝા કોરોના સંક્રમિત થયા હતા. જોકે હવે તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here