એક ઉમદા કલાકાર અને હસમુખો સ્વભાવ અને હંમેશ મોજમાં રહેતા શફિક અન્સારીનું આજે અવસાન થયું. છેલ્લા દોઢ-બે વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હતા.
શફિક અન્સારી અંગે બાબુલ ભાવસારે જણાવ્યું કે, 90ના દાયકામાં મારી અને કમલેશ મોતાની ઓળખાણ એની સાથે ભારતીય વિદ્યા ભવન ખાતે થઈ. એ વખતે ભાઉસાહેબ સંચાલિત ભારતીય નાટ્ય શિક્ષા પીઠનો એ વિધાર્થી. બિરલા ગ્રુપની સંગીત કલા કેન્દ્ર આયોજિત દેશભરમાં થતાં હિન્દી નાટકના પ્રયોગોમાં એ અમારી સાથે જોડાયો.
4 – 5 વર્ષમાં 8-10 હિન્દી નાટકો એણે અમારી સાથે કર્યા. સિદ્ધાર્થ રાંદેરિયા સાથે પણ 2-3 ગુજરાતી નાટકોમાં અને એમની ગુજરાતી ફિલ્મ ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડમાં પણ એણે કામ કર્યું હતું.
શફિક અન્સારીએ અનેક ગુજરાતી અને હિન્દી નાટકોમાં પોતાની અભિનય પ્રતિભાનો પરિચય કરાવ્યો છે.
હિન્દી સિરિયલ ગુટર ગુ અને મુક્તિબંધન અને ખાસ કરીને ક્રાઇમ પેટ્રોલને કારણે દેશભરમાં એનો ચહેરો જાણીતો બન્યો. એના તો આજે પણ ઘણાં એપિસોડ રીપિટ થતાં હોય છે.
બે દિવસ બાદ, 13મી મેના જન્મ દિવસ ઉજવે એ અગાઉ જ શફિક અન્સારી આ ફાની દુનિયા છોડી ગયો. પ્રભુ એના આત્માને શાંતિ આપે.