પચીસ વરસ પહેલાં રિલીઝ થયેલી અને બૉક્સ આફિસ પર ધમાલ મચાવનાર ગોવિંદા અને કરિશ્મા કપૂર અભિનીત ફિલ્મ કૂલી નં. ૧ હવે નવા કલેવર સાથે ૨૫ ડિસેમ્બરે ઑટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર અમેઝોન પ્રાઇમ વિડિયો ઇન્ડિયાની અધિકૃત યુટ્યુબ ચૅનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ડેવિડ ધવન દિગ્દશિર્ત કૂલી નં. ૧ની વાર્તામાં આજના જમાનાને હિસાબે ફેરફાર કરવામાં આવ્યો છે.
સવા ત્રણ મિનિટના ટ્રેલરમાં વરૂણ ધવનના અનેક રૂપ તમને જોવા મળશે. ટ્રેલરની શરૂઆતમાં જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડેવિડ ધવનની આ ૪૫મી ફિલ્મ છે. એટલું જ નહીં, નવી ફિલ્મમાં જૂની ફિલ્મનાં હિટ ગીતોની રીમેક પણ હશે એનો અણસાર આપવામાં આવ્યો છે. ઉપરાંત વરૂણ ધવન ડબલ રોલ વાળો ટ્વિસ્ટ દર્શકોને કન્ફ્યુઝ કરશે કે હકીકતમાં વરૂણ કૂલી છે કે પરેશ રાવલ અને એની પુત્રી સારા અલી ખાનને મૂરખ બનાવવાની કોશિશ કરી રહ્યો છે.
ડિસેમ્બરમાં રિલીઝ થઈ રહેલી કૂલી નં ૧માં ગોવિંદાની ભૂમિકામાં વરૂણ ધવન જોવા મળશે તો કિરશ્મા કપૂરની જગ્યાએ સારા અલી ખાન. નવી ફિલ્મમાં પણ એક ધનિક પિતા એમની પુત્રી માટે એને લાયક મુરતિયો શોધી રહ્યો છે અને મળી જાય છે કૂલી નં ૧.
ફિલ્મના દિગ્દર્શક ડેવિડ ધવને મૂળ વાર્તામાં ખાસ ફેરફાર નથી કર્યો પણ આજના જમાનાને અનુરૂપ ચેન્જીસ કર્યા છે. મજાની વાત એ છે કે ફિલ્મમાં વરૂણ ધવન મિથુન ચક્રવર્તીના અંદાજમાં સંવાદો બોલતો નજરે પડે છે જે ઘણું મજેદાર છે. ફિલ્મમાં વરૂણ ધવન અને સારા અલી ખાન ઉપરાંત પરેશ રાવલ, રાજપાલ યાદવ, જ્હૉની લિવર, જાવેદ જાફરી, શિખા તલસાણિયા જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.