બૉલિવુડમાં આજકાલ બાયોપિક બનાવવાનો દોર ચાલી રહ્યો છે. નેતાઓથી લઈ ખેલાડીઓ, ફિલ્મી કલાકાર હોય કે પછી જાણીતી હસતીઓની જીવની ફિલ્મી પરદે દર્શાવવાની હોડ ચાલી રહી છે. ત્યારે એક એવા ન્યુઝ આવ્યા છે જે સાંભળી ઘણાના ભવાં ચડી જશે. મળતા અહેવાલ મુજબ બળાત્કારના આરોપમાં દોષી પુરવાર થયેલા આસારામ બાપુ પર બાયોપિક બનાવવાની તૈયારી ચાલી રહી છે.
ગેંગ્સ ઑફ વાસેપુર, તનુ વેડ્સ મનુ, શાહિદ અને ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જેવી ફિલ્મો બનાવી ચુકેલા સુનીલ બોહરા હવે આસારમાની બાયોપિક બનાવવા માંગે છે. ફિલ્મ જર્નલિસ્ટ ઉશીનોર મજુમદાર દ્વારા લિખિત પુસ્તક ગૉડ ઑફ સિન : ધ કલ્ટ, ધ ક્લાઉટ ઍન્ડ ડાઉનફોલ ઑફ આસારામ બાપુ પર આધારિત હશે.
સુનીલે કોઈ પણ ભોગે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે અને એ માટે પુસ્તકના હક્ક પણ ખરીદી લીધા છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સુનીલે જણાવ્યું હતું કે એ મોટાપાયે ફિલ્મ બનાવવા માંગે છે. સુનીલે વધુમાં જણાવ્યું હતું કે, મેં પુસ્તક વાંચ્યું છે અને ઍડવોકેટ પી.સી. સોલંકી, જેમણે પીડિતાનો કેસ એક પણ પૈસો લીધા વગર લડવાની સાથે ન્યાય પણ અપાવ્યો હતો. તેમનાથી હું ઘણો પ્રભાવિત થયો છું. આ કેસ સાથે સંકળાયેલા સુરત અને જોધપુર જેલની બે મહિલા પોલીસ ઑફિસરે પણ મને બાયોપિક બનાવવા માટે પ્રેરિત કર્યા. મારી નજરે આ લોકો અસલી હીરો છે અને અમે તેમના પર ધ્યાન કેન્દ્રિત કરશું.
સુનીલે વધુમાં કહ્યું કે મેં ગયા મહિને પુસ્તકના હક્ક ખરીદ્યા છે. હું રાઇટર્સને મળી રહ્યો છું અને ટૂંક સમયમાં સ્ક્રિપ્ટનું કામ શરૂ કરશું.