તાજેતરમાં નવાજુદ્દીન સિદ્દીકીએ ધ સ્ટ્રેન્જર ઇન મી નામના પુસ્તકનું વિમોચન કર્યું. પુસ્તક એક એવી વ્યક્તિની વાત છે કે જે પોતાની સીધી જતી જિંદગીને અચાનક યુ ટર્ન આપી અલગ ક્ષેત્રમાં કરિયર બનાવવાનું નક્કી કરે છે. ગુજરાતી-હિન્દી ફિલ્મના હીરો નિખિલ પરમારે પણ નોવેલના નાયકની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. નિર્ણય લીધા બાદ પોતાના લક્ષ્યને કેમ હાંસલ કરવું એ અંગે સતત મનોમંથન કરતો. આજે એના લક્ષ્યને પામવાની કેડી પર ધીરી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે. નિખિલની ત્રીજી ગુજરાતી ફિલ્મ જલસાઘર 10 મેના રિલીઝ થઈ રહી છે ત્યારે ફિલ્મી ઍક્શન સાથે વિવિધ મુદ્દે નિખાલસપણે વાતો કરી હતી.

જલસાઘર વિશે વાત કરતા નિખિલ જણાવે છે કે ફિલ્મમાં આજની સાંપ્રત સમસ્યાની વાત આલેખવામાં આવી છે. આજે કરિયરના ટેન્શનમાં રહેતા યુવાનો માતા-પિતાને સાચવી શકતા નથી અને તેમને બોજ માનવા લાગે છે. અંતે સંતાનો તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે છે. ફિલ્મના કેન્દ્રમાં પણ એક વૃદ્ધાશ્રમ – જલસાઘર છે જે કવિરાજ (હિતેનકુમાર)એ બનાવ્યું છે અને એમાં આવતા વડીલોની દેખભાળની સાથે ખુશમિજાજમાં રાખવાની જવાબદારી અનાથ એવા અમિત (નિખિલ પરમાર)ની છે. હકીકતમાં નિખિલની મહેચ્છા બૉલિવુડના ટોચના સ્ટાર દિલીપકુમાર, અમિતાભ બચ્ચનની હરોળના આર્ટિસ્ટ બનવાની છે અને આ વાત અવારનવાર વડીલોને કહેતો ફરે છે.

નિખિલ કહે છે કે, જલસાઘર પૂર્ણપણે પારિવારિક ફિલ્મ છે અને આજના યુવાનોની સાથે વૃદ્ધજનોની સમસ્યાને હળવી શૈલીમાં વણી લેવામાં આવી છે.

નાનપણથી જ અભિનેતા બનવાનું નક્કી કર્યું હતું પ્રશ્નના જવાબમાં નિખિલ કહે છે કે સ્કૂલ કૉલેજમાં હતો ત્યારે ફિલ્મી કરિયર અંગે વિચાર્યું સુદ્ધાં નહોતું. હા, એ સમયે નાટક, ડાન્સ, સિંગિંગ જેવી વિવિધ કલ્ચરલ એક્ટિવિટીમાં ઘણો પ્રવૃત્ત રહેતો. અનેક ઇનામો મળ્યા. આવા જ એક કાર્યક્રમ દરમ્યાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કૉરિયોગ્રાફર સાથે મુલાકાત થઈ એણે દેવો કા દેવ મહાદેવના એક ડાન્સ માટે બોલાવ્યો. રાગ આધારિત ગીતમાં મારે દીપક રાગ બનવાનું હતું. જોકે મારે કંઈ ફ્રન્ટમાં ડાન્સ કરવાનો નહોતો. એ શૂટ પત્યા બાદ મેં નક્કી કર્યું કે મારે પાછલી હરોળના નહીં પણ આગલી હરોળના કલાકાર તરીકે ખ્યાતિ મેળવવી છે. બસ, આ જીદે મને અહીં સુધી પહોંચાડ્યો.

મારે કઈ દિશામાં આગળ વધવું છે એ નક્કી કર્યા બાદ મેં ઑડિશન આપવા શરૂ કર્યા. પહેલી ઍડ મળી ઍરટેલની. ત્યાર બાદ તો બોર્નવિટા, તાતા સ્કાય, યુરો નમકીન, ડ્યુરેક્ષ ઉપરાંત વિદેશની ઍડ એજન્સીઓ માટે અનેક જાહેરાતો કરી. એ સાથે અનેક સિરિયલોમાં પણ કામ કર્યું.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે એન્ટ્રી થઈ પ્રશ્નના જવાબમાં નિખિલે જણાવ્યું કે, હું કલર્સની સિરિયલ મહેક – મોટા ઘરની વહુ કરી રહ્યો હતો જેમાં મારૂં પાત્ર ગ્રે શેડ ધરાવતું હતું. સિરિયલનો મારો અભિનય જોઈ ગુજરાતી ફિલ્મ બેફામના નિર્માતાએ મારો સંપર્ક કર્યો. ગુજરાતી-હિન્દી ફિલ્મ અને સિરિયલના હેમંત ઝા અને મુનિ ઝા જેવા ધુરંધર કલાકારો સાથે મને પહેલી ફિલ્મમાં જ કામ કરવાનો મોકો મળ્યો. તેમની પાસે અભિનયના ઘણા પાઠ શીખવા મળ્યા. એટલું જ નહીં, આ ફિલ્મે મને ટ્રાન્સમીડિયાનું બેસ્ટ ડેબ્યુટ મેલ એક્ટરનું નોમિનેશન પણ અપાવ્યું. પહેલી ફિલ્મ બાદ બીજી ફિલ્મ આવી બગાવત. આ ઍક્શન-ડ્રામા ફિલ્મ દર્શકોને ઘણી પસંદ પડી.

કલાકાર ગુજરાતી ફિલ્મનો હોય કે અન્ય ભાષીનો તેમનું લક્ષ્ય હોય છે બૉલિવુડ, હિન્દી ફિલ્મો કરવાની ઇચ્છા ખરી?

એવો ક્યો કલાકાર છે જે બૉલિવુડમાં આવવા માંગતો નહીં હોય. તમને જાણીને આનંદ થશે કે હાલ હું બે બિગ બેનરની ફિલ્મો કરી રહ્યો છું. જેમાં મુકેશ તિવારી, વિજુ ખોટે, વિજય કદમ અને વિજય પાટકર સાથે મર્ડરમિસ્ટ્રી વો કૌન હૈ કરી રહ્યો છું જેનું શૂટિંગ હાલ ચાલી રહ્યું છે. તો બીજી ફિલ્મ છે કિસ કો પતા વો કૌન થીમાં હું ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય રહી ચુકેલા શ્રીસંત સાથે સ્ક્રીન શૅર કરી રહ્યો છું. ફિલ્મમાં અસરાની, ટીકુ તલસાણિયા, ઉપાસના સિંહ, કેતકી દવે, દિનેશ હિંગુ, સ્ટેન્ડ અપ કૉમેડિયન નિતિન દેસાઈ જેવા જાણીતા કલાકારો છે.  ફિલ્મ રોમાન્ટિક સસ્પેન્સ છે અને એમાં મારી મહત્ત્વની ભૂમિકા છે.

અંતમાં નિખિલ પરમાર કહે છે કે, આ તો મારી કરિયરની શરૂઆત છે. જો દર્શકોના પ્રેમની સાથે વડીલોના આશીર્વાદ હશે તો આભને આંબવાની મહેચ્છા છે.

2 COMMENTS

  1. Rajesh d chotalia

    Mata pitana aashirvad

  2. Congratulations and achive what U think by hard work.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here