Table of Contents
ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ અસોસિયેશન (ઇમ્પા) બિહાર સરકાર સાથે લાંબા અરસાથી ચર્ચા-વિચારણા કરી રહ્યું હતું જેની ફળશ્રુતિ છે બિહારની ફિલ્મ પૉલિસી. જેની લાંબા અરસાથી રાહ જોવાઈ રહી હતી એ બિહાર ફિલ્મ પૉલિસીની અધિકૃત જાહેરાત કરવામાં આવી હતી. બિહાર સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કૉર્પોરેશન લિમિટેડ અને બિહાર કલા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત એક ભવ્ય સમારંભમાં આ અંગોની જાહેરાત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં બિહાર સરકારના ઉપમુખ્ય પ્રધાન અને કળા સંસ્કૃતિ તથા યુવા મંત્રી વિજય કુમાર સિન્હા કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. તો આઈએએસ ઑફિસર ચૈતન્ય પ્રસાદ, દયાનિધાન પાંડે, રાહુલ કુમાર અને ભોજપુરી મેગાસ્ટાર મનોજ તિવારી, રવિ કિશન અને કુણાલ સિંહ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે ઇમ્પાના પ્રમુખ અભય સિન્હા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઇમ્પાના પ્રમુખ અભય સિન્હા ફિલ્મ પૉલિસી માટે મહત્ત્વની ભૂમિકા ભજવવાની સાથે બિહાર સરકારના સતત સંપર્કમાં રહ્યા હતા. તેમણે બિહાર સરકારનો ફિલ્મ પૉલિસી લાવવા માટે આભાર માન્યો હતો. એ સાથે તેમણે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે ફિલ્મ પૉલિસીનો લાભ નિર્માતાઓની સાથે રાજ્ય માટે પણ ઘણી લાભદાયી નીવડશે. તેમણે બિહાર સરકારને અપીલ કરી હતી કે તેઓ રાજ્યમાં સ્થાનિક ફિલ્મ નિર્માતાઓની સુવિધા માટે બિહારમાં સીબાએફસી (સેન્ટ્રલ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન)ની ઑફિસ બિહારમાં શરૂ કરાવે.