બૉમ્બે હાઇકોર્ટે આપેલા એક મહત્ત્વના ચુકાદામાં 65 વર્ષ કે એથી વધુ વયના કલાકારો પર ફિલ્મ કે સિરિયલમાં કામ કરવા પર મહારાષ્ટ્ર સરકારે મુકેલા પ્રતિબંધને હટાવી દીધો છે. એ સાથે હિન્દીના અમિતાભ બચ્ચનથી લઈ ગુજરાતી ફિલ્મ-ટીવી સિરિયલમાં કામ કરતા દેવેન્દ્ર પંડિત સુધીના કલાકારો શૂટિંગમાં સહભાગી થઈ શકશે. નિર્માતાઓની એક સંસ્થાની સાથે પ્રમોદ પાંડે નામના કલાકારે હાઇકોર્ટમાં કરેલી અરજીની સુનાવણી દરમ્યાન આપ્યો હતો.

કોરોના મહામારીને પગલે અમલમાં મુકાયેલા લૉકડાઉનને કારણે ફિલ્મ, ટીવી સિરિયલ, વેબ સિરીઝ સહિત તમામના શૂટિંગ સો કરતા વધુ દિવસ બંધ રહ્યું હતું. નિર્માતા-દિગ્દર્શક સહિત અન્ય કર્મચારીઓના યુનિયનોએ રાજ્ય સરકાર સાથે કરેલી વાટાઘાટ બાદ શૂટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે શૂટિંગ દરમ્યાન સુરક્ષાના તમામ પગલાંઓ લેવાનો આદેશ સરકારે આપ્યો હતો. એ સાથે સરકારે નિર્માતાઓને જણાવ્યું હતું કે 65 કરતા વધુ વયના કલાકાર-કસબીને સેટ પર બોલાવવા નહીં. કલાકારો અને કામદારોની સંસ્થાઓ આ મુદ્દે એકમતિ ન સાધી શકતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

આ મામલામાં વાદી પ્રમોદ પાંડે અને નિર્માતાઓની સંસ્થા ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ અસોસિયેશન (ઇમ્પા)એ પણ અરજી કરી હતી. લાંબી સુનાવણી બાદ શુક્રવારે બૉમ્બે હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે ઉંમરના આધારે આ પ્રકારના પ્રતિબંધ લગાવી શકાય નહીં. અને તમામ ધંધાદારીઓને એક સરખા નિયમો લાગુ પડશે. કોઈ વર્ગ પર અલગથી પ્રતિબંધ મુકી શકાય નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here