ગુજરાતી અને મરાઠી પરિવાર વચ્ચેની ખાટી-મીઠી ટક્કરની મોજ માણતા દર્શકો માટે સોની સબ એક રોમાંચક ટર્ન લાવી રહી છે. અભિષેક (અક્ષય કેલકર) અને ગાયત્રી (અક્ષિતા મૃદુલ)ની લવ સ્ટોરી આગળ વધવાની સાથે એક નવા કિરદારની એન્ટ્રીને કારણે અન્ના (દેવેન ભોજાણી)ની મુસીબતોમાં ઓર વધારો થાય છે.
ભાખરવડીમાં મરે હુએ બુઢેને સામેલ કરાઈ રહ્યો છે અને આ પાત્ર ભજવી રહ્યા છે જાણીતા અને પ્રતિભાશાળી ગુજરાતી કલાકાર અનંગ દેસાઈ. અભિષેક અને ગાયત્રીની સગાઈની તૈયારીઓની વચ્ચે અન્ના માટે એક ઓર મુસીબત સર્જાય છે. છેલ્લા શ્વાસ લઈ રહેલા બુઝુર્ગ (અનંગ દેસાઈ) અંતિમ ઇચ્છા તરીકે ગોખલે બંધુની ભાખરવડી ખાવા માંગે છે. પરંતુ ગોખલેની ભાખરવડી ન મળતા સંબંધીઓ વૃદ્ધને ઉલ્લુ બનાવે છે અને મહેન્દ્રની દુકાનની ચાઇનીઝ ભાખરવડી ખવડાવી દે છે. એક વૃદ્ધ વ્યક્તિ એની અંતિમ ઇચ્છા પૂરી કર્યા વિના મૃત્યુ પામી હોવાની વાતની જાણ અન્નાને થાય છે ત્યારે એ ડરી જાય છે. એને લાગે છે કે એ વૃદ્ધનો અતૃપ્ત આત્મા એને શ્રાપ આપે છે અને મૃત વ્યક્તિના સપના અન્નાને ડરાવી રહ્યા છે.
મરે હુએ બુઢેની ભૂમિકા ભજવી રહેલા અનંગ દેસાઈ કહે છે કે, ભાખરવડી ટીમનો હિસ્સો બની ઘણો ખુશ છું. મારૂં પાત્ર ખરેખર ઘણું મજેદાર છે અને એટલે જ છેલ્લી ઘડીઓ ગણતો હોવા છતાં ભાખરવડી ખાવા માંગે છે. આ પાત્ર અન્નાને ડરાવે છે પણ એની અજીબોગરીબ હરકતો દર્શકોને ચોક્કસ હસાવશે.