ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા થોડા સમયથી અવનવા પ્રયોગો થઈ રહ્યા છે અને નવા-નવા વિષયો સાથે ફિલ્મો બનતી થઈ છે. ગુજરાતી ફિલ્મસર્જકો જોખમ ઉઠાવતા થયા છે. અગાઉ ગુજરાતી ફિલ્મોની જે ઈમેજથી સાવ અલગ પ્રકારની અને ઢોલિવુડને આગવી ઓળખ આપતી ફિલ્મો હાલના ગુજરાતી નિર્માતાઓ બનાવી રહ્યા છે.
આવી જ એક અનોખી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે‘ બોલીવુડના વિખ્યાત પ્રોડ્યુસર આનંદ પંડિત તેમના બેનર ‘આનંદ પંડિત મોશન પિક્ચર્સ’ હેઠળ બનાવી રહ્યા છે. ફિલ્મમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચને કેમિયો કર્યો છે. ફિલ્મમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચન ગુજરાતીમાં અભિનય કરવાની સાથે ડાયલોગ્સ બોલતા હોય એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે માઈલસ્ટોન સમી ઘટના ગણી શકાય.
એટલે કે આનંદ પંડિત સાથેની મિત્રતાને કારણે અમિતાભ બચ્ચને ગુજરાતી ફિલ્મમાં અભિનય કરવાનું પસંદ કર્યું.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બધા જાણે છે કે અમિતાભ બચ્ચન અને આનંદ પંડિત વચ્ચે ગાઢ મૈત્રી છે. થોડા સમય અગાઉ અમિતાભ બચ્ચન આનંદ પંડિતની એક ઈવેન્ટમાં હાજરી આપવા ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આનંદ પંડિત મારા મિત્ર છે. અને હવે તો તેઓ મારા પરિવારના સભ્ય સમા બની ગયા છે.’
પંડિતે ઉમેર્યું કે, અમારી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ અલગ જ પ્રકારના વિષય પર બનેલી છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અલગ જ ચીલો ચાતરશે એવો મને વિશ્વાસ છે.’
આનંદ પંડિત અત્યાર સુધીમાં 53 ફિલ્મો પ્રોડ્યુસ કરી ચૂક્યા છે, જેમાં હિન્દી, મરાઠી અને ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે. બૉલિવુડના નામાંકિત ચહેરાઓ તેમની પાર્ટીમાં જોવા મળતા હોય છે.
આ અગાઉ આનંદ પંડિત અમિતાભ બચ્ચન સાથે ‘ચહેરે‘ ફિલ્મ બનાવી ચુક્યા છે. ચેહરેનું નિર્માણ આનંદ પંડિત અને અમિતાભ બચ્ચનની કંપનીએ સાથે મળીને કર્યું હતું. એ સિવાય આનંદ પંડિતે અભિષેક બચ્ચનને હીરો તરીકે લઈને ‘બિગ બુલ’ ફિલ્મ પણ બનાવી હતી.
અમિતાભ બચ્ચન જેવા લિવિંગ લેજન્ડ કોઈ ગુજરાતી ફિલ્મમાં જોવા મળે એ અકલ્પ્ય કહી શકાય એવી વાત ગણાય. એટલે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને જોવા માટે ગુજરાતી પ્રેક્ષકોમાં ખૂબ જ ઉત્સુકતા રહેશે એ નિશ્ચિત છે.