મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત વિસ્તાર પર આધારિત કાર્યક્રમ તૂફાન આલાયના એક એપિસોડમાં આવવા માટે આમિર ખાને અભિનેત્રી માધુરી દીક્ષિત નેનેનો આભાર માન્યો હતો. આમિર ખાને ગુરૂવારે વિડિયોની લિન્ક ટ્વીટ કરવાની સાથે કેપ્શનમાં લખ્યું હતું, મારા એક આગ્રહને માન આપી આપ તુરંત આવ્યાં, એને માટે આપનો આભાર.
સિલ્વર સ્ક્રીન પર આમિર ખાન અને માધુરી દીક્ષિતે 29 વરસ અગાઉ દિલ અને દીવાના મુઝસા નહીંમાં સાથે કામ કર્યું હતું.
તૂફાન આલાય અઠવાડિક કાર્યક્રમ છે જે રાજ્યની પાણીની ગંભીર પરિસ્થિતિ પર આધારિત છે. કાર્યક્રમમાં મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકાર ઉપરાંત અન્ય મહાનુભાવો પ્રેરણાદાયક વાતો સંભળાવે છે. શોમાં સામાન્યપણે આમિર ખાન અને કિરણ રાવ ઉપસ્થિત રહેતા હોય છે.
મહારાષ્ટ્રની પાણીની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખી આમિર ખાન અને એની પત્ની કિરણ રાવે પાની ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આ એનજીઓ હેઠળ આમિર ખાન અને કિરણ મહારાષ્ટ્રમાં દુકાળને અટકાવવા અને પાણી પુરવઠો પૂરો પાડવાનું કામ કરે છે.