બૉલિવુડ ક્વીન કંગના રનૌત એની આગામી ફિલ્મ ઇમર્જન્સીનાં શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે
વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌતને એણે કરેલા અમુક આક્ષેપોને કારણે મોટો આંચકો લાગ્યો છે. તાજેતરમાં કંગના કોઈ વાતે બૉલિવુડના સૌથી જૂના અને જાણીતા અવૉર્ડ્સમાંના એક ફિલ્મફેર અંગે ટિપ્પણી કરી હતી. આને પગલે મેગેઝિને એના પર કરવામાં આવેલા આક્ષેપો નિરાધાર હોવાનું જણાવતું એક લાંબું નિવેદન જારી કરવાની સાથે કંગનાનું નોમિનેશન પાછું ખેંચ્યું હતું.
કંગનાની ટીકા બાદ ફિલ્મફેર દ્વારા અપાયેલા જવાબમાં જણાવાયું હતું કે, કંગનાને પુરસ્કાર આપવા કે કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા અંગે પૂછવામાં આવ્યું નહોતું. એ સાથે કંગનાને મોકલાયેલો નોમિનેશનનો મેસેજ પણ પ્રસિદ્ધ કર્યો હતો. ફિલ્મફેર દ્વારા કંગનાને મોકલવામાં આવેલા મેસેજમાં જણાવ્યું હતું કે, નમસ્કાર કંગના, ફિલ્મફેર અવૉર્ડ્સમાં થયેલા આપના નામાંકન માટે અભિનંદન. જો આપ ઉપસ્થિત રહેશો તો એનો અમને આનંદ થશે. 30 ઓગસ્ટના બીકેસી, મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આપ ઉપસ્થિત રહેશો કે નહીં એની જાણ કરશોજી. તમારી સીટ બુક કરવામાં સહાયરૂપ બનશે. મહેરબાની કરી અમને આપનું સરનામુ મોકલશોજી જેથી અમે આમંત્રણ પત્રિકા મોકલી શકીએ. એ સાથે તેમણે સ્પષ્ટતા કરી હતી કે કંગનાને ક્યારેય અવૉર્ડ આપવા માટે કે આ ઇવેન્ટમાં પર્ફોર્મ કરવાનો આગ્રહ કર્યો નથી.
કંગના કેમ ભડકી
ફિલ્મફેર અવૉર્ડ્સ 2022માં નોમિનેટ કરવા અંગેની વાતને કંગનાએ એના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરવાની સાથે લખ્યું હતું કે મેં 2014થી ફિલ્મફેર જેવી અનૈતિક, ભ્રષ્ટ અને સમગ્રતયા અનુચિત પ્રથાઓથી દૂરી બનાવી છે. આમ છતાં મને આ વરસે તેમની અવૉર્ડ ઇવેન્ટમાં ભાગ લેવા અનેક કૉલ્સ આવી રહ્યા છે. તેઓ મને થલાઇવી મે અવૉર્ડ આપવા માગે છે. મેં 2014થી ફિલ્ફેર જેવા અનૈતિક, ભ્રષ્ટ અને અનુચિત પ્રથા ધરાવતી આ ઇવેન્ટને બેન કરી છે. આમ છતાં મને આશ્ચર્ય થાય છે કે હજુ પણ તેઓ મને નોમિનેટ કરી રહ્યા છે. આ પ્રકારની ભ્રષ્ટ પ્રથાઓને પ્રોત્સાહિત કરવી એ મારી ગરિમા, વર્ક વેલ્યુની વિરુદ્ધ છે.
ફિલ્મફેર દ્વારા કરાયેલા ખુલાસા બાદ કંગનાએ પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ફિલ્મફેરે મારું બેસ્ટ એક્ટ્રેસવાળું નોમિનેશન પાછું લીધું છે, આ ભ્રષ્ટ સિસ્ટમ વિરુદ્ધની લડાઈમાં મને ટેકો આપનારા તમામનો આભાર. જોકે તેમના વિરુદ્ધની કાનૂની કાર્યવાહી કરતા મને કોઈ રોકી શકશે નહીં. આ પ્રકારની ભ્રષ્ટ અને અનૈતિક પ્રથાઓને ખતમ કરવાના મારા પ્રયાસો થતા રહેશે.
અત્યાર સુધીમાં કંગના રનૌતને પાંચ વખત ફિલ્મફેર અવૉર્ડ મળ્યા છે. આમાંથી એ બે ફંક્શનમાં હાજર રહી હતી.