કોરોનાને કારણે અમલમાં મુકાયેલા લૉકડાઉનને કારણે અક્ષય કુમારની બેલ બૉટમની રિલીઝ પણ અટકી પડી હતી. હવે સર્જકોએ 19 ઓગસ્ટે ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની જાહેરાત કરી છે. ફિલ્મની રિલીઝમાં ભલે મોડું થયું પણ દર્શકોને ફિલ્મ જોવાનો મજેદાર અનુભવ થશે. કારણ સર્જકો હવે બેલ બૉટમને થ્રી-ડીમાં રિલીઝ કરવાની જાહેરાત કરી છે.
અક્ષય કુમારે પણ આ ન્યુઝને શેર કરતા એનો એક વિડિયો સોશિયલ મીડિયા પર અપલૉડ કર્યો છે. વિડિયો શેર કરવાની સાથે અક્ષયે લખ્યુ હતું કે, 19 ઓગસ્ટના પૂરા ફીલ સાથે થ્રિલ એક્સપિરિયન્સ કરજો. બેલબૉટમ થ્રી-ડીમાં પણ આવી રહી છે.
બેલ બૉટમમાં અક્ષય કુમાર ભારતની જાસૂસી સંસ્થા રૉના એજન્ટની ભૂમિકામાં નજરે પડશે. રંજિત તિવારીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત વાણી કપૂર, લારા દત્તા અને હુમા કુરેશી પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.