દેઓલ ફૅમિલીના ચાહકો માટે આનંદના સમાચાર છે. સની દેઓલના દીકરા કરણ દેઓલે 2019માં બૉલિવુડમાં ડેબ્યુ કર્યા બાદ બીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં કાકા-ભત્રિજાની જોડી ચમકવાની છે. તાજેતરમાં કાકા અભય દેઓલ અને ભત્રિજા કરણે તેમની ફિલ્મના સેટનો એક ફોટો શેર કર્યો હતો.
કરણે એના કાકા સાથેનો ફોટો શેર કરવાની સાથે લખ્યું હતું, કાકા… હંમેશ મારી પડખે ઊભા રહ્યા છો અને એ માટે આભાર. તમે મને કાયમ પ્રેરણા આપી છે અને હવે તમારી સાથે કામ કરવાનો અવસર મળ્યો છે એનો આનંદ હંમેશ માણીશ. એ સાથે કરણે ઉમેર્યું હતુ કે, અમે સાથે શેનું શૂટિંગ કરી રહ્યા છીએ એ દર્શકોને જણાવવા ઉત્સુક છીએ.
કરણ દેઓલ અત્યારે સાતમા આસમાનમાં વિહરી રહ્યો છે. કારણ, બૉલિવુડના સિંઘમ અજય દેવગણ નિર્મિત અને દેવેન મુંજાલ દિગ્દર્શિત ફિલ્મ વેલે માટે એની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મમાં એના કાકા અભય દેઓલ પણ એની સાથે કામ કરી રહ્યા છે. વેલે તેલુગુની ક્રાઇમ કૉમેડી ફિલ્મ બ્રોચેવરેવરુકાની હિન્દી રીમેક છે. ફિલ્મમાં રૉકી, રૅમ્બો અને રાહુલ નામના ત્રણ મિત્રોની મજેદાર વાત દર્શાવવામાં આવશે. ઘણા સમયથી ફિલ્મી પરદાથી દૂર રહેલો અભય એના ખાસ અંદાજમાં ફરી એક વાર એન્ટ્રી કરશે.
કરણે સની દેઓલ દિગ્દર્શિત પલ પલ દિલ કે પાસ ફિલ્મથી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. તો અપને-2માં બાપ-દીકરાની જોડી બાદ હવે વેલેમાં કાકા-ભત્રિજાની જોડી ફિલ્મમાં જોવા મળશે.