આલિયા ભટ્ટ એની અભિનય પ્રતિભાને કારણે ચર્ચામાં રહેતી હોય છે પણ નિર્માત્રી-અભિનેત્રી તરીકેની પહેલી ફિલ્મ ડાર્લિંગ્સ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે ત્યારે એના ચાહકો ફિલ્મ જોવા ઘણા ઉત્સુક છે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું.
આ મજેદાર ટ્રેલરની શરૂઆતમાં પતિનું પાત્ર ભજવી રહેલા વિજય વર્મા એની પત્ની (આલિયા ભટ્ટ)ને પ્રેમ કરતો દર્શાવાયો છે છતાં એને છોડવાની વાત કરે છે. અને હકીકતમાં એ ઘરે નથી પહોંચતો ત્યારે આલિયા ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને જાય છે. પરંતુ થોડા સમયમાં જ અપહરણના રહસ્ય પરથી પરદો ઊઠે છે અને પછી શરૂ થાય છે દર્શકો માટે મિસ્ટ્રી અને થ્રિલરનો ડૉઝ.
હકીકતમાં ડાર્લિંગ્સ એક ડાર્ક કૉમેડી ફિલ્મ છે. ફિલ્મની વાર્તા એક એવી પત્નીની છે જે ઘરેલુ હિંસાનો શિકાર બની હોવા છતાં એની સાથે થયેલા દુર્વ્યવહારનો બદલો પતિ સાથે લે છે. એ પતિનું અપહરણ કરાવે છે. અને આ બધા કામમાં એને સાથ મળે છે એની મા (શેફાલી શાહ)નો. આલિયા ભટ્ટ દ્વારા નિર્મિત અને અભિનીત ડાર્લિંગ્સ 5 ઓગસ્ટે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે.
ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં આલિયાને પૂછાયેલા સવાલોના બેધડક જવા આપ્યા હતા. એને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પ્રેગ્નન્સી બાદ ફિલ્મોમાં કામ કરવાનું છોડી દેશે?ના જવાબમાં આલિયાએ કહ્યું કે, મહિલા કંઈ પણ કરતી હોય તો એ હેડલાઇન બની જાય છે. પછી એણે મા બનવાનો નિર્ણય લીધો હોય કે કોઈને ડેટ કરી રહી હોય. લોકોની નજર હંમેશા મહિલાઓ પર જ રહેતી હોય છે. હવે મારી વાત. હું યુવાન છું અને કંઈ પણ બદલવાની જરૂર જ શુ કામ હોય. એક પરિવાર કે બાળક જન્મવાથી મારી પ્રોફેશનલ લાઇફ શું કામ બદલાઈ જાય? આ બંને અલગ બાબત છે. હું આવી ફાલતુ વાતો પર ધ્યાન આપતી નથી.
એ સાથે આલિયાએ ઉમેર્યું કે, હું લોકોની વાતો પર ધ્યાન આપતી નથી અને મન પર પણ લેતી નથી. મારે જે કરવું હોય એ જ કરૂં છું.
ડાર્લિંગ્સથી આલિયા ભટ્ટ નિર્માત્રી તરીકેની એની નવી ઇનિંગ શરૂ કરી રહી છે. એને કારણે ઘણી ઉત્સાહિત હોવાની સાથે થોડી નર્વસ પણ છે. આલિયાએ કહ્યું કે, આ ફિલ્મ મારા માટે ખાસ છે. કારણ, ફિલ્મ ડાર્લિંગ્સ એક ખાસ ફિલ્મ છે અને બીજું, આ ફિલ્મ મારા પોતાના પ્રોડક્શન હાઉસ ઇટરનલ સનશાઇન બેનર હેઠળ બની છે.