ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હવે વિવિધ જૉનરની ફિલ્મો લખલૂટ ખર્ચે બની રહી છે. અને આનંદની વાત એ છે કે દર્શકો ફિલ્મોને આવકારી… માણી પણ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતીમાં વરસની માંડ બે-પાચ ફિલ્મો બનતી હતી જ્યારે હવે વરસે 60-70 ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી કાઠું કાઢી રહી છે.
આવી જ આજના જમાનાના દર્શકોને આકર્ષવાની શક્તિ ધરાવતી ફિલ્મ હે… મા 23 જુલાઈથી શરૂ થઈ રહી છે. ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે કચ્છના રત્નસાગર દરિયાકાંઠે બિરાજતા મા ભરાડી (બાલ બ્રહ્માણી). દરમિયાન, દરિયાકાંઠે આવેલા માતાજીના ગામથી બદઇરાદા સાથે આતંકવાદીઓ ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરે છે. પરંતુ માતાજીના ભક્તો ભક્તિના સહારે હથિયારધારી આતંકવાદીઓને કેવી રીતે શિકસ્ત આપે છે એની રોમાંચક વાત ફિલ્મમાં આલેખવામાં આવી છે.
હવે શરૂ થાય છે ભક્તોની ભક્તિ અને હથિયારોની શક્તિ વચ્ચેનો જંગ… ભક્તિ અને શક્તિ વચ્ચેની આ લડાઈમાં કોનો પરાજય થાય છે અને કેવી રીતે એની મજેદાર વાત ટૂંક સમયમાં આવી રહેલી ગુજરાતી અને કચ્છી (દ્વિભાષી) હે… મા ફિલ્મમાં જોવા મળશે.
રાહુલ સિને કલા આર્ટ્સ બેનર હેઠળ બની રહેલી હરેશ મહારાજ (ભુજપુર) અને રવિભાઈ મહેશ્વરી (મુન્દ્રા) દ્વારા પ્રસ્તુત ફિલ્મના નિર્માતા છે ગૌરીશંકર કેશવાણી. કથાનક રવિભાઈ મહેશ્વરીની છે જ્યારે સંગીત કમલેશ વૈદ્યનું. જ્યારે ઍક્શન કૉરિયોગ્રાફી છે ઇરફાન પીરઝાદાની. સંકલન શંકર પાંડે, છબીકલા સંતોષ સિંઘની છે. જ્યારે ફિલ્મ રૂપમ એન્ટરટેઇન્મેન્ટ પ્રા. લિ.ના વંદન શાહ રિલીઝ કરી રહ્યા છે.
મનોજ નથવાણી લિખિત-દિગ્દર્શિત ફિલ્મના કલાકારો છે ચેતન ઠાકર , નયન ગોર, પરાક્રમ સિંહ ગોહિલ, કિશોર ભાસ્કર, ધારા જાની, મૌના શાહ, હર્ષા રાવળ, રેખા મદલાની. વિશેષ ભૂમિકામાં મનોજ નથવાણી અને ઈરફાન પીરઝાદા, ગૌરીશંકર કેશવાણી.