નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા અખિલ કોટક બ્લાઇન્ડ ડેટ્સ જેવી સફળ ફિલ્મ આપ્યા બાદ હવે પિતા-પુત્રીના સંબંધો પર આધારિત ગુજરાતી ફિલ્મ લવ યુ પપ્પા લઈને આવી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મના ટ્રેલરને રિલીઝ કરવામાં આવ્યું જેને દર્શકોનો જબ્બર આવકાર મળ્યો છે.
બ્લુ લાયન એન્ટરટેઇન્મેન્ટ બેનર હેઠળ બનેલી ફિલ્મના નિર્માતા છે વિહાન દંડ. દીકરી એટલે વહાલનો દરિયો. આ વાત મર્મદર્શી રીતે દર્શાવતી અખિલ કોટક દિગ્દર્શિત-અભિનીત ફિલ્મમાં કૉફી ગર્લતરીકે વિખ્યાત પ્રાપ્તિ અજવાળિયા, જિતેન્દ્ર ઠક્કર, દિશા દેસાઈ, સોની જયસ્વાલ ભટ્ટ, કશિશ રાઠોડ, આરતી દેસાઈ, ભાવિક જગડ, હર્ષલ માંકડ, કિંજલ ખૂંટ, ભક્તિ જેઠવા જેવા પ્રતિભાશાળી કલાકારો જોવા મળશે.
લવ યુ પપ્પા એક પ્રેમાળ દંપતિ અંશ અને શિખાની વાત છે. પ્રેમાળ પત્ની સાથે મોજથી રહેતા અંશના જીવનમાં એવી આંધી આવે છે કે ઇશ્વર પ્રત્યેની એની શ્રદ્ધા ડગમગી જાય છે. શિખા પુત્રીને જન્મ આપી આ ફાની દુનિયા છોડી જાય છે. આવી મુશ્કેલ ઘડીમાં અંશ પાસે બે વિકલ્પ હોય છે, ફરી લગ્ન કરવા કે જાતે દીકરીની સંભાળ લેવી. અંશ પડકારભર્યો બીજો વિકલ્પ પસંદ કરે છે. અને અંશ કેવી મુસીબતોનો સામનો કરી દીકરીની અપેક્ષાઓ પૂરી કરે છે એની વાત લવ યુ પપ્પા ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
ડૉ. નીરજ મહેતાએ લખેલાં ગીતોને સ્વર આપ્યો છે ઓસમાણ મીર, મયૂર ચૌહાણ, ગીતા ચૌહાણ, દૃષ્ટી વછરાજાણી અંધારિયા, નીરજ વ્યાસ, હેમલ પ્રજાપતિ, વિધિ ઉપાધ્યાય, આસિફ જેરિયા અને હેમંત જોશીએ. અને ગીતો સ્વરબદ્ધ કર્યા છે ઉત્પલ જીવરાજાણીએ.
પિતા-પુત્રીના લાગણીભર્યા સંબંધો દર્શાવતી ફિલ્મ લવ યુ પપ્પા 17 જૂન, 2022ના રિલીઝ થઈ રહી છે.