ભારત આઝાદ થયાના આઠ દાયકા દરમિાન દેશમાં માત્ર હિન્દી જ નહીં, પ્રાદેશિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ હરણફાળ ભરી છે. ભારતની ગણના સૌથી વધુ ફિલ્મોનું નિર્માણ કરતા દેશોમાં થાય છે. આપણા ઢોલિવુડની વાત કરીએ તો દેશ આઝાદ થયા બાદ ભલે અનેક ઉતાર-ચઢાવ જોયા હોય પણ આજે ધીરી પણ મક્કમ ગતિએ પ્રગતિના પંથે જઈ રહ્યું છે.
જોકે અહીં વાત કરવી છે પાકિસ્તાનની. પાકિસ્તાનમાં રહેતા ગુજરાતીઓની સંખ્યા ઘણી છે. ત્યાંથી બે ગુજરાતી અખબારો પણ પ્રકાશિત થાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિડિયોમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા નાના-મોટાઓને ખાસ ગુજરાતી શીખવવામાં આવે છે. મજાની વાત એ છે કે પાકિસ્તાનમાં ફિલ્મોદ્યોગને ધમધમતો કરવામાં એક ગુજરાતી દલસુખ પંચોલીએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. લાહોરનો પંચોલીનો સ્ટુડિયો પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કેન્દ્ર બિન્દુ હતો.
પાકિસ્તાન આઝાદ થયા બાદ પંજાબી, પશ્તો, બલોચ, સિંધી જેવી અનેક ભાષામાં ફિલ્મો બની રહી છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનના ૭૮ વરસના ઇતિહાસમાં માત્ર એક જ ગુજરાતી ફિલ્મ બની છે.
૧૧ ઓક્ટોબર, ૧૯૭૪માં પાકિસ્તાનમાં નિર્માણ પામેલી એક માત્ર ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ હતી. જેનું નામ છે પ્રેમ બંધન. ફિલ્મના કલાકાર, નિર્માતા-દિગ્દર્શક વિશેની કોઈ જાણકારી મળતી નથી. પરંતુ પાકિસ્તાનમાં બનેલી ફિલ્મોની યાદીમાં પ્રેમ બંધનનું નામ છે પણ એનું પોસ્ટર કે ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ નથી. ફિલ્મના નામ પરથી એ સોશિયલ લવ સ્ટોરી હોય એવું લાગે છે.
ફિલ્મ અંગેની જાણકારી મેળવવા ફિલ્મી ઍક્શન દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પણ નિષ્ફળતા મળી હતી. હા, કરાચીમાં બનેલી અને રિલીઝ થયેલી બ્લૅક એન્ડ વ્હાઇટ ફિલ્મના માત્ર બે નામ જાણવા મળ્યા છે. એક તો સંગીતકાર ખાલિદ હન્ફી અને ગાયક અહમદ રશ્દી.