અમદાવાદ મહાપાલિકાના ઓક્ટ્રોય ડિપાર્ટમેન્ટમાં કામ કરનારાએ દિવસ આખો ટ્રક-ટેમ્પાના ડ્રાઇવરો સાથે લમણાંઝીંક કરવી પડે. પુરૂષ કર્મચારીઓ કંટાળી જતા હોય ત્યાં એક મહિલા અધિકારીની હાલત કેવી થતી હશે એની તો કલ્પના જ કરવી રહી. પરંતુ કામને વફાદાર આ મહિલા અધિકારી જરીર પડ્યે જબાન કડવી કરતા પણ અચકાતા નહીં. શરૂઆતમાં મહિલા સમજી દાદ ન આપતા ડ્રાઇવરો તેમની કડકાઈ સામે ગેગેફેંફે કરવા લાગતા. જોકે તેમની આવી ભાષાની ટીકા કરવાવાળા પણ ઘણા હોવા છતાં કામને પૂજા માનતા આ મહિલા અધિકારી રિટાયર્ડ થયા ત્યાં સુધી વફાદારીપૂર્વક ફરજ નિભાવી. સતત ઑફિસ અને ઘરકામ વચ્ચે વ્યસ્ત રહેનાર આ મહિલા અધિકારીને નિવૃત્તિ બાદ દિવસ કેવી રીતે પસાર કરવો એની ચિંતા કોરી ખાતી હતી. પરંતુ નિવૃત્ત મહિલા અધિકારીની વહારે એની કડવી જબાન કામ આવી અને એણે જે તેમને ખ્યાતિ પણ અપાવી. આ મહિલા અધિકારી એટલે બીજું કોઈ નહીં પણ ગુજરાતી કલાજગતના જાજરમાન અભિનેત્રી ચારૂબહેન પટેલ.


નોકરી કરતા ત્યારે સ્વપ્નેય વિચાર્યું નહીં હોય કે સામાન્ય લોકો જેને તોછડી કહે છે એવી ભાષા તેમના ભવિષ્યની ઓળખ બની જશે. ગુજરાતી કલાજગતમાં ચારૂમાના લાડકા નામે ઓળખાતા ફિલ્મ-ટીવી અને તખ્તાનાં કલાકાર ચારૂમાએ આજે તેમના જીવનના આઠ દાયકા પૂરા કરી 81મા વરસમાં પ્રવેશ કર્યો છે. આટલા વરસોમાં ક્યારેય જન્મદિનની ઉજવણી ન કરનાર ચારૂમાના જન્મદિવસની ઉજવણી કરવાનો વિચાર મેકઅપ આર્ટિસ્ટ ધનલક્ષ્મી ત્રિવેદી અને શિલ્પા ઠાકરને આવ્યો. પરંતુ વિચારને અમલમાં કેમ મુકવો એનો કોઈ આઇડિયા નહોતો. જોકે ધનલક્ષ્મી ત્રિવેદી અને શિલ્પા ઠાકરે વિચાર વહેતો મુક્યો અને કારવાં બનતા ગયા. એમાં સહકાર મળ્યો આવા કાર્યોમાં સદા સાથ આપતા શૈલેન્દ્રસિંહ વાઘેલા બાપુનો. એમાં જોડાયા મેહુલ પટેલ, સુભાષ ભટ્ટ, આશિષ ગાંધી, ગૌતમ તપોધન, જીગર બુંદેલા, કૃણાલ ભટ્ટનો. જ્યારે વેન્યુનો પ્રોબ્લેમ સૉલ્વ કર્યો બિજૉય શિવરામ અને શ્રીમતી ડાયના રાવલે. આ બંનેએ ચારૂમાના જન્મદિનની ઉજવણી માટે જે. જી. કૉલેજના ઑડિટોરિયમની વ્યવસ્થા કરી આપી.


ચારૂમાને જન્મદિવસની શુભેચ્છા આપવા હુતો હુતી સિરિયલના નિર્માતા સી. એમ. પટેલ, પ્રફુલ ભાવસાર, સુભાષભાઈ ભટ્ટ, આશિષ ગાંધી, મેહુલ પટેલ, પંકજ ચૌહાણ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કલાકાર-કસબીઓએ ચારૂમાનું પુષ્પગુચ્છ, શાલ અર્પણ કરી શુભેચ્છા આપવાની સાથે દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.
અહેવાલ : અભિલાષ ઘોડા
રજૂઆત : ફિલ્મી ઍક્શન ટીમ