મરાઠીમાં ચંદ્રમુખી નામ સૌપ્રથમ વાચવામાં આવ્યું, સાંભળવામાં આવ્યું એ સુપ્રસિદ્ધ લેખક વિશ્વાસ પાટીલના લેખનમાં. અને હવે ચંદ્રમુખી નામ ફરી જોવા મળશે મોટા પરદા પર. નવા વરસના પહેલા જ મહિનામાં એક નવી ફિલ્મની ઘોષણા કરવામાં આવી અને એનું નામ છે ચંદ્રમુખી. પોતાના સૌંદર્ય અને ઘુંઘરૂના ઠેકા વડે અનેકને મોહિત કરનારી સૌંદર્યવતી ચંદ્રમુખી એ વિશ્વાસ પાટીલની નવલકથાનું એક મહત્ત્વનું પાત્ર. તેમની નોવેલ પર આધારિત ચંદ્રમુખીનું ટીઝર પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરાયું છે. પ્લેનેટ મરાઠીના અક્ષય બર્દાપુરકરની એબી આણી સીડી, ગોષ્ટ એકા પૈઠણીચી બાદ ચંદ્રમુખી તેમની ત્રીજી ફિલ્મ છે. અક્ષયની પહેલી જ ફિલ્મમાં અમિતાભ બચ્ચને કામ કર્યું હતું.

ચંદ્રમુખી એ રાજકારણ અને તમાશાનું ગજબનું મિશ્રણ છે. તમાશામાં લાવણી પ્રસ્તુત કરતી નૃત્યાંગના, રૂપસુંદરીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી કોણ હશે એની ઉત્સુકતા મરાઠી ફિલ્મોના ચાહકોને છે. ફિલ્મનું દિગ્દર્શન પ્રસાદ ઓકનું છે.