સુખ એટલે બીજાના ચહેરા પર સ્મિત લાવવાની કળા અને આ કળાશીખવતું નાટક એટલે ઇશારા ઇશારામાં. 10 ફેબ્રુઆરીએ જેનો શુભારંભ થયો એ એમ.ડી. પ્રોડક્ષન્સના જય કાપડિયા દિગ્દર્શિત નાટકમાં વાત આલેખવામાં આવી છે એક મ્યુઝિશિયન અને એક દિવ્યાંગ યુવતીની. જે યુવતી બોલી-સાંભળી શકતી નથી એના પ્રેમમાં આ મ્યુઝિશિન પડે છે અને લગ્ન પણ કરે છે. બંનેનું લગ્નજીવન સુખેથી ચાલી રહ્યું છે. તેમની લવ-સ્ટોરી અને સુખી સંસાર જોઈ ભલભલાને ઇર્ષા થાય. બંને એકબીજાને અથાક પ્રેમ કરે છે, બંનેને એકબીજા વિના ચાલતું નથી છતાં કંઇક એવું બને છે કે બંને છૂટા પડવાનું નક્કી કરે છે. તેમની મેરિડ લાઇફ જોઈ અદેખી કરનારા પણ તેમની ડિવોર્સની વાત સાંભળી આંચકો પામે છે.
એવું તે શું બન્યું કે બંને છૂટા પડવાનું નક્કી કરે છે. તેઓ માત્ર ડિવોર્સ લેવાની વાત જ નથી કરતા પણ કોર્ટમાં કેસ પણ ફાઇલ કરે છે. જય કાપડિયા, સંજના હિન્દપર, કુશલ શાહ, પ્રીત, પ્રવીણ નાયક જેવા કલાકારો ધરાવતા નાટકના દિગ્દર્શક જય કાપડિયા કહે છે કે, અમે આજકાલના સંબંધોમાં જે જોવા નથી મળતું એવા સમર્પણની વાત કહી છે. ઉપરાંત એ જણાવવાની કોશિશ કરી છે કે જો સંજોગોને તમે જોઈ શકતા હો તો તમારે સમયને પણ જોતાં શીખવો પડે.