મુંબઈ પોલીસે સોમવારે ટેલિવિઝનના અભિનેતા અને ગાયક કરણ ઓબેરોય પર દુષ્કર્મનો ખોટો કેસ દાખલ કરાવનાર મહિલાની ધરપકડ કરી હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. કરણ ઓબેરોયની મહિલા સાથે દુષ્કર્મ કરવાની સાથે બ્લેકમેઇલિંગ કરવાના કથિત આરોપસર ૬ મેના ધરપકડ કરાઈ હતી. જાકે બામ્બે હાઇકોર્ટે ૭ જૂને કરણના જામીન મંજૂર કર્યા હતા.
ડીસીપી મંજુનાથ શિંગેએ ઓશિવરા પોલીસ દ્વારા મહિલાની ધરપકડ કરાઈ હોવાની વાતને પુષ્ટી આપી હતી. પોલીસે મહિલાને ઓબેરોય વિરૂદ્ધ કથિત રીતે ખોટી ફરિયાદ નાંધાવવા અને પોતાની જાત પર હુમલો કરવાનું કાવતરૂં ઘડવાના આરોપસર ધરપકડ કરી છે.
મહિલાએ દાવો કર્યો હતો કે ૨૫ મેના બે બાઇક સવાર લોકોએ એના પર હુમલો કરવાની સાથે કરણ વિરૂદ્ધનો કેસ પાછો ખેચવાની નોટ મુકી હતી, જો એ કેસ પાછો નહીં ખેચે તો એસિડ ફેંકવાની ધમકી આપી હતી. આને પગલે પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી જેમાં એક તો મહિલાના વકીલનો સંબંધી નીકળ્યો. બંનેએ કબુલ્યું હતું કે હુમલો પૂર્વનિયોજિત હતો અને એને માટે દસ હજાર રૂપિયા આપ્યા હતા.