ધ કેરળ સ્ટોરી ફિલ્મ અંગે વિવાદિત ટિપ્પણી કરનાર નસીરુદ્દીન શાહ બેનમૂન અભિનેતા છે એમાં કોઈ બેમત નથી. તેમણે શાનદાર પર્ફોર્મન્સ દ્વારા અત્યાર સુધીમાં અનેક અવૉર્ડ્સ મેળવ્યા છે. પણ તાજેતરમાં એક ઇન્ટર્વ્યુમાં તેમણે જણાવ્યુ કે આ અવૉર્ડ્સને હું ગંભીરતાથી લેતો નથી. તેઓ આટલાથી જ અટક્યા નહોતા અને જણાવ્યું કે તેઓ ફિલ્મફેર અવૉર્ડનો ઉપયોગ બાથરૂમના દરવાજાના હેન્ડલ તરીકે કર્યો છે. નસીરુદ્દીન શાહને અત્યાર સુધીમાં આક્રોશ, ચક્ર અને માસુમ ફિલ્મ માટે ફિલ્મફેર અવૉર્ડ મળી ચુક્યા છે.
તાજેતરમાં એક ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં નસીરુદ્દીન શાહને અવૉર્ડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યુ કે, કોઈ પણ અભિનેતા જેણે અભિનયમાં પોતાનું જીવન લગાવી દીધું હોય એ પણ સારો કલાકાર જ છે. તમે એક એક્ટરને પસંદ કરીને કહી દો કે આ વરસનો શ્રેષ્ઠ અભિનેતા છે. તો શું આ નિષ્પક્ષતા છે?
મને આવા અવૉર્ડ પર ગર્વ થતો નથી. મને મળેલા છેલ્લા બે અવૉર્ડ લેવા પણ હું ગયો નહોતો. આવા અવૉર્ડની મારા માટે ખાસ વેલ્યુ નથી એટલે મેં જ્યારે ફાર્મ હાઉસ લીધું ત્યારે બધા અવૉર્ડડ્સ ત્યાં રાખવાનું નક્કી કર્યું. અને અહીં જે કોઈ વૉશ રૂમ જશે તેમને બે-બે અવૉર્ડ મળશેસ કારણ એના હેન્ડલ ફિલ્મફેર પુરસ્કારના બનેલા છે.
જોકે મને જ્યારે પદ્મશ્રી અને પદ્મભૂષણ અવૉર્ડ મળ્યા એ મારા માટે મત્ત્વના છે. હું જ્યારે અભિનયક્ષેત્રમાં આવ્યો ત્યારે મારા પિતાને મારી નોકરી અંગે ઘણી ચિંતા રહેતી. એ સાથે કહેતા આ ફાલતુ કામ કરીશ તો મૂરખ બનશે. એટલે હું જ્યારે રાષ્ટ્રપતિ ભવન ગયો ત્યારે મેં ઉપર જોયું અને પિતાને પૂછ્યું કે શું તેઓ આ બધું જોઈ રહ્યા છો… અને મને ખાતરી છે કે તેઓ ખુશ હશે. મને પણ આ પુરસ્કાર મળ્યા એનો આનંદ હતો.