લતા મંગેશકરના નિધન બાદ અનેક અજાણી પણ હકીકતમાં બનેલી વાતો ફિલ્મ રસિયાઓને જાણવા મળી રહી છે. અને આ બનાવો, કિસ્સાઓ સાંભળી ફિલ્મ શોખીનોનું લતા પ્રત્યેનું માન-આદર ઓર વધી જશે એટલું નક્કી. લતા મંગેશકરે અંગેનો આવો જ એક કિસ્સો ગુજરાતના વ્યવસાયી અને ગુજરાતી-મરાઠીમાં અનેક સુપરહિટ ફિલ્મો આપનાર નિર્માતા ભૂપત બોદર સાથે પણ સંકળાયેલો છે. વાત છે તેમની પહેલી ગુજરાતી ફિલ્મના નિર્માણ સમયનો. 2008માં ભૂપત બોદરે જાણીતા દિગ્દર્શક કે. અમર (ડેની)ના સહયોગમાં વિશ્વવિખ્યાત સંત બાપા બજરંગદાસની બાયોપિક બનાવવાનું નક્કી કર્યું. આ એવો સમય હતો જ્યારે બાયોપિક બનાવવાનું ચલણ હજુ શરૂ થયું નહોતું.
લગભગ દોઢેક દાયકા પહેલાંનો પ્રસંગ યાદ કરતા દુખિયાના બેલી બાપા સીતારામ ફિલ્મના દિગ્દર્શક કે. અમર સોલંકી (ડેની)એ જણાવ્યું કે, ફિલ્મનું સંગીત પંકજ ભટ્ટ તૈયાર કરી રહ્યા હતા. મારી અદમ્ય ઇચ્છા હતી કે ફિલ્મનું એક ગીત લતા મંગેશકર પાસે ગવડાવવું. ફિલ્મના નિર્માતા ભૂપત બોદરને પણ આ વિચાર ઘણો પસંદ પડ્યો અને તેમણે તુરંત એની મંજૂરી પણ આપી દીધી.
ડેની કહે છે કે, હું જ્યારથી સમજણો થયો ત્યારથી લતાજીનો ચાહક રહ્યો છું. તેમની પ્રતિભા અને સાદગીની મારા જીવન પર ભારે અસર હતી. ફિલ્મનાં ગીત માટે હું તેમને મળ્યો ત્યારે તેઓ બિઝી હોવા છતાં મારી વાત શાંતિથી સાંભળી અને કહ્યું, ફિલ્મનું જે ગીત ગાવાનું મને જણાવ્યું છે એ માટે હું ના પાડી શકતી નથી પણ મારી એક શરત છે, ગીતનું રેકૉર્ડિંગ અંધેરી સ્થિત એક સ્ટુડિયામાં કરવું પડશે. અમારા માટે તો લતાજી અમારું ગીત ગાય એ મહત્ત્વનું હતું, સ્ટુડિયો નહીં. અમે તુરંત હા પાડી અને અમે ગીતના રેકૉર્ડિંગની તૈયારી શરૂ કરી દીધી.
અમે તેમણે આપેલી તારીખે અંધેરીના સ્ટુડિયો પહોંચી ગયા. લતાજી પણ સમયસર આવી પહોંચ્યા. સંગીતકારે જણાવ્યા મુજબ તેમણે ગીત ગાવાની શરૂઆત કરી. તમને જાણીને નવાઈ લાગશે કે બીજા ટેકમાં જ ગીત ફાઇનલ થઈ ગયું. એક પ્રાદેશનક ફિલ્મોના સંગીતકારને શું જોઇએ છે ધ્યાનપૂર્વક સાંભળી-સમજ્યા બાદ જ તેમણે ગીતના રેકૉર્ડિંગની શરૂઆત કરી હતી.
ગીતનું રેકૉર્ડિંગ થઈ ગયું, ફિલ્મ રિલીઝ થઈ અને સુપરડુપર હિટ પણ થઈ. ભૂપત બોદરને ગુજરાત સરકારનો શ્રેષ્ઠ ફિલ્મનો અને શ્રીકાંત સોનીને શ્રેષ્ઠ અભિનેતાનો અવૉર્ડ પણ મળ્યો. જોકે એ સમયે અને જાણ નહોતી કે લતા મંગેશકરે દુખિયાના બેલી બાપા સીતારામ માટે ગાયેલું નરસિંહ મહેતાનું વિશ્વ વિખ્યાત ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ… ગુજરાતી ભાષામાં લતા મંગેશકરે ગાયેલું છેલ્લું ગીત હશે. આજે જ્યારે લતાજી રહ્યાં નથી ત્યારે એમની સાથેની પહેલી મુલાકાતથી લઈ છેલ્લી વાતચીતના દૃશ્યો નજર સમક્ષ તરી આવે છે.
ફિલ્મના દિગ્દર્શક કે. અમર સોલંકી એ પ્રસંગને યાદ કરતા કહે છે કે, હું જ્યારે પહેલીવાર તેમને મળ્યો અને વૈષ્ણવ જન ગાવાની ઑફિર કરી ત્યારે લતાજીએ કહ્યું કે તમે આટલા મોટા સંત પર ફિલ્મ બનાવી રહ્યો છો અને ગાંધીજીનું પ્રિય ભજન ગાવાનું છે તો હું ના કેવી રીતે પાડી શકું. ગીત રેકૉર્ડ થયા બાદ લતાજીની કર્ટસી મુલાકાતે ગયો ત્યારે તેમણે ફિલ્મની સફળતા માટે શુભેચ્છા આપી હતી.
દુખિયાના બેલી બાપા સીતારામમાં શ્રીકાંત સોની ઉપરાંત દીપક ઘીવાલા, રાગિણી, દેવેન્દ્ર પંડિત, કેતન પારેખ, મીના પુરાણી, રાજુલ દીવાન, શુભલક્ષ્મી, અજય સિંહ અને નિશિતાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.