તાજેતરમાં સંજય મૌર્ય, શિખા મલ્હોત્રા, લલિત પરિમુ, અનુપ જલોટા અને દિગ્દર્શક દેદિપ્ય જોશીની ઉપસ્થિતિમાં કાંચળી : લાઇફ ઇન અ સ્લોધનું ટ્રેલર પંચતારક હોટેલ સહારા સ્ટાર ખાતે કરવામાં આવ્યું હતું.
દેદિપ્ય જોશી લિખિત-દિગ્દર્શિત-નિર્મિત કાંચળી એક એવી યુવતી કજરી (શિખા મલ્હોત્રા)ની વાત છે જે પોતાની રીતે જિંદગી જીવવા માંગે છે. કજરીનાં લગ્ન કિશ્નુ (નરેશપાલ સિંઘ) સાથે થાય છે. પરંતુ રૂપરૂપના અંબાર સમી કજરી પર ગામના ઠાકુર (લલિત પરિમુ)ની નજર બગડે છે. ઠાકુર એના ખાસ માણસ ભોજા (સંજય મિશ્રા)ને કજરી પાસે મોકલે છે. પણ પતિને વફાદાર કજરી એની વાત પર ધ્યાન આપતી નથી. પણ, એક દિવસ ઠાકુર કજરી પર હુમલો કરે છે ત્યારે પોતાની જાતને બચાવવા ઠાકુર પર હુમલો કરે છે. આઘાતની વાત તો ત્યારે આવે છે જ્યારે કજરીનો પતિ કિશ્નુ જ કજરીને ઠાકુર સાથે આવો વ્યવહાર કરવાની ના પાડે છે. પતિની વાત સાંભળી આઘાત પામી ગયેલી કજરી વિચારી નથી શકતી કે એનો પતિ જ દુનિયા સામે લડવા એકલી અટૂલી મુકી દેશે. ઉદાસ કજરી વિચારે છે કે જો એનો પતિ એને કોઈ અન્ય પુરૂષ સાથે જોશે તો ચોક્કસ પ્રતિભાવ આપશે. દરમ્યાન ઠાકુરનો માણસ ભોજા કજરીના પ્રેમમાં પડે છે અને કજરી ભોજાનો ઉપયોગ કરી પતિની પરીક્ષા લેવા માગે છે.પછી શું થાય છે એ કો કાંચળીમાં જોવા મળશે.

ઉદેપુરમાં ફિલ્માવાયેલી અને 7 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી કાંચળીની અભિનેત્રી શિખા મલ્હોત્રાએ બૅરી જૉન પાસે અભિનયની તાલિમ લીધા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. શિખા કહે છે કે હું દેદિપ્ય જોશીની આભારી છું કે મારામાં વિશ્વાસ મુકી આવો જબરજસ્ત રોલ આપ્યો.