વિશ્વ વિખ્યાત સંતુર વાદક શિવકુમાર શર્માંનું આજે સવારે હૃદય રોગના હુમલાને કારણે ૮૪મા વર્ષે નિધન થયું
આજે સવારે દેશના એક અણમોલ રતન એવા સંતુર વાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન થતાં સંગીતની દુનિયા જાણે સુની પડી ગઈ.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પંડિત શિવકુમાર સુપરહિટ ફિલ્મ સિલસિલાના સંગીતકાર તરીકે જાણીતા છે. પરંતુ શાસ્ત્રીય સંગીતની દુનિયામાં સંતૂર વાદક તરીકે તેઓ વિશ્વવિખ્યાત છે.
આવા દિગ્ગજ સંગીતના મરમી શિવકુમાર શર્માએ એક ગુજરાતી ગઝલ સ્વરબદ્ધ કરી છે એની જાણ ગુજરાતના કેટલા સંગીત પ્રેમીઓને છે એ ચર્ચાનો વિષય નથી. પરંતુ ગુજરાતી સંગીત માટે એ ગર્વની વાત છે.

થોડા વરસ પહેલાં ગઝલ લોન્ચ કરવામાં આવી ત્યારે શિવકુમાર શર્માએ કહ્યું હતું કે, મે સપનાંમાં પણ વિચાર્યું નહોતું કે હું ગુજરાતી ગઝલ કમ્પોઝ કરીશ. સંગીતમાં રુચિ ધરાવનાર સંગીતની તાલીમ લઈ શકે છે. પરંતુ ગીત – ગઝલ લખવી એ તો સરસ્વતી માટેની કૃપા હોય તો જ શક્ય છે. મેં જેમની ગઝલને સ્વરબદ્ધ કરી છે એ કમલેશ સોનાવાલા એક સફળ બિઝનેસ મેન હોવા છતાં સાહિત્યમાં પણ રસ ધરાવે છે. તેમણે લખેલી ગઝલ હૈયાને સ્પર્શી જાય એવી છે. ગઝલનાં શબ્દો છે
એક કાગળ એક કલમ, કંપન ભરેલું કાળજું, વચ્ચે એક કવિતાનું અમથું અમથું શરમાવવું
રૂપકુમાર રાઠોડના મલમલી અવાજમાં ગવાયેલી ગઝલ સાંભળનારના હૃદય સોંસરવી ઉતરી જાય એવી છે.
ગુજરાતીમાં આટલી સુંદર ગઝલ આપનાર શિવકુમાર શર્મા અને તેમનું સંગીત ક્યારેય વિસરાશે નહીં.