પપ્પા તમને નહીં સમજાય જેવી સુપરહિટ ફિલ્મના દિગ્દર્શક ધર્મેશ મહેતા હવે નિર્માતા તરીકેની તેમની પહેલી ધમાકેદાર લાફ્ટર ફિલ્મ જયસુખ ઝડપાયો લઈને આવી રહ્યા છે. 3 જૂને રિલીઝ થઈ રહેલી જયસુખ ઝડપાયોના મ્યુઝિક અને ટ્રેલરને એક રંગારંગ કાર્યક્રમમાં ફિલ્મના કલાકાર-કસબીઓ, ફિલ્મ-ટીવી-નાટ્ય જગતની હસ્તીઓ ઉપરાંત અન્ય ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધામધૂમથી લૉન્ચ કરવામાં આવ્યું હતું.
જ્હૉની લિવર, જીમિત ત્રિવેદી, હાર્દિક સાંગાણી, નવોદિત અભિનેત્રી પૂજા જોશી, અનંગ દેસાઈ, સાંચી પેશવાની, મોનાઝ મેવાવાલા, સંગીતા ખનાયત, પૂર્વી વ્યાસ, હેમાંગ દવે જેવા કલાકારોના અભિનયથી ઓપતી ફિલ્મ જયસુખ ઝડપાયો અનેક વિશેષતાઓ ધરાવે છે.
ફિલ્મ અંગે નિર્માતા-દિગ્દર્શક ધર્મેશ મહેતા કહે છે કે, દર્શકો મનોરંજન માટે ફિલ્મ જોવા આવે છે અને અમે જયસુખ ઝડપાયો માત્ર ને માત્ર દર્શકોના મનોરંજન માટે જ બનાવી છે. અને દર્શકોને હળવાથી લઈ ખડખડાટ હાસ્યનો ખજાનો ફિલ્મ જોતી વખતે મળશે.
ફિલ્મની સંગીત અંગે જણાવતા ધર્મેશ મહેતા કહે છે કે, અમે વિવિધ મૂડનાં ગીતો ફિલ્મ માટે તૈયાર કર્યાં છે. જેમાં ફિલ્મનું ટાઇટલ સૉન્ગ જયસુખ ઝડપાયો સુખવિન્દર સિંહે ગાયું છે. કાઠિયાવાડી, કચ્છી રાજ્જાની સંમિશ્રિત, રોલરકોસ્ટર રાઈડ જેવું શીર્ષક ગીત સુખવિંદર સિંહે એમના મસ્તીભર્યા અંદાજમાં ગાયું છે. ગુજરાતીમાં પહેલીવાર સુખવિંદર સિંહે ગાયેલું ગીત એટલું ધમાકેદાર છે કે એ સાંભળતા જ ઑડિયન્સ ડાન્સ મૉડમાં આવી જશે.
તો બીજું ગીત રેટ્રો થીમ સાથે માર્દવતાની છાંટ ધરાવે છે, જેને ભૂમિ ત્રિવેદીએ ક્યાંક ક્યાંક હલકા યૉડલિંગ સાથે ગાયું છે. આ ગીત સાંભળી દર્શકો, ખાસ કરીને યુવા વર્ગ રોમેન્ટિક મૉડમાં આવી જશે.
તો જાવેદ અલી અને પલક મુછાલે ગાયેલું ત્રીજા મજેદાર લવ સૉન્ગને પંચાવન વાદ્યો અને ભારતના શ્રેષ્ઠ સાજિંદાઓ સાથે લાઇવ રેકૉર્ડ કરવામાં આવ્યું હતું. ગીતને પરદા પર પણ ભવ્ય રીતે દર્શાવવા કાશ્મીરના નયનરમ્ય લોકેશન પર ફિલ્માવવામાં આવ્યું છે. કાશ્મીરમાં ગુજરાતી ફિલ્મના ગીતને ફિલ્માવવામાં આવ્યું હોય એવી આ પહેલી ઘટના છે.
ફિલ્મનાં ગીતો પ્રતિભાશાળી કવિયત્રી મેધા અંતાણીએ લખ્યાં છે તો એને સ્વરબદ્ધ કર્યા છે કશ્યપ સોમપુરાએ.
બૉલિવુડના જાણીતા લેખક અમિત આર્યન દ્વારા લિખિત ફિલ્મના સંવાદો છે બૉલિવુડમાં આગવું નામ ધરાવતા સંજય છેલના. ફિલ્મનાં ગીતો ઝી મ્યુઝિક દ્વારા રિલીઝ કરવામાં આવ્યા છે.
નમનરાજ પ્રોડક્શન્સ બેનર હેઠળ બનેલી ફિલ્મના નિર્માતા છે ધર્મેશ મહેતા, સહ-નિર્માતાઓ છે સમીર દોશી, પ્રવીણ બોહરા અને મિનેશ મહેતા. 3 જૂન, 2022ના રિલીઝ થઈ રહેલી “જયસુખ ઝડપાયો – એક ખોટુકલી લવ સ્ટોરી” તમામ દર્શકો માટે યાદગાર રહી જાય એવો લાફ્ટર ડૉઝ બની રહેશે.