ઇતિહાસની ઓર એક કાળી બાજુને ઉજાગર કરશે ધ દિલ્હી ફાઇલ્સ : બેંગાલ ચેપ્ટર

બંગાળના નોઆખલી ખાતે થયેલા હિન્દુ નરસંહાર પર આધારિત ફિલ્મનું ટીઝર રિલીઝ કરાયું

ભારતની આઝાદી પહેલાં અને સ્વતંત્રતા મળ્યા પછી દેશમાં બનેલી અનેક ઘટના-દુર્ઘટનાઓ વિશેની પરદા પાછળની હકીકત દેશવાસીઓને જાણવા મળી નથી. આ બાબત  વિવેક રંજન અગ્નિહોત્રી તેમની ફિલ્મો દ્વારા બહાર લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. શાસ્ત્રીજીના રહસ્યમય મૃત્યુ પર આધારિત ધ તાશ્કંદ ફાઇલ્સ, કાશ્મીરમાં થયેલી હિન્દુઓની સામુહિક હત્યા પર આધારિત ધ કાશ્મીર ફાઇલ્સ, કોરોના મહામારીને કાબુમાં લેવા રસીની શોધ પર ધ વેક્સીન વૉર. અને હવે વિવેક અગ્નિહોત્રી આઝાદી પહેલાં બંગાળમાં થયેલા નોઆખલીમાં થયેલી હિન્દુઓના હત્યાકાંડ સહિત આવા અનેક કિસ્સાઓ પર આધારિત ફિલ્મ દિલ્હી ફાઇલ્સ : ધ બેંગાલ ચેપ્ટર લઈને આવી રહ્યા છે. સ્વતંત્રતા દિનના રિલીઝ થઈ રહેલી ફિલ્મનું ટીઝર વિવેક રંજન અગ્નિહોત્રીએ પ્રજાસત્તાક દિને રિલીઝ કર્યું હતું.

સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરવાની સાથે અગ્નિહોત્રીએ એને બંધારણનું સન્માન ગણાવ્યું હતું. એ સાથે ઇન્સ્ટાગ્રામ પર તેમણે લખ્યું હતું, પ્રસ્તુત છે ધ દિલ્હી ફાઇલ્સ : ધ બંગાલ ચેપ્ટરના નિર્માતાઓ તરફથી ભારતના બંધારણને માન-સન્માન. આ સ્વતંત્રતા દિવસે એક વણકહી હકીકતના સાક્ષી બનો. ફિલ્મ વિશ્વભરમાં રિલીઝ થશે.

વિવેક અગ્નિહોત્રીના દિગ્દર્શનમાં બનેલી ધ દિલ્હી ફાઇલ્સ : બંગાલ ચેપ્ટરના બા મિનિટ 21 સેકન્ડના ટીઝરમાં મિથુન ચક્રવર્તી લડખડાતા અવાજમાં બોલતા દેખાય છે. સંવેદનશીલ મુદ્દા પર બનેલી ધ દિલ્હી ફાઇલ્સનો એમનો લૂક દમદાર છે. બંગાળના ત્રાસવાદ અને હિન્દુ નરસંહાર પર બનેલી ફિલ્મના ટીઝરમાં અભિનેતા એક સૂનસામ પેસેજમાં ધીરે ધીરે ચાલી રહ્યા છે અને ભારતના બંધારણને સંભળાવી રહ્યા છે. મિથુનની સફેદ દાઢી અને ધ્રુજતો અવાજ બધાનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે.

ફિલ્મના સેટ પર આપેલી મુલાકાત દરમિયાન વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે, દિલ્હી, કલકત્તા, નોઆખલી, સેવાગ્રામ, મુર્શીદાબાદ જેવા શહેરોના સેટ મુંબઈના માર્વે ખાતે આવેલા નવલ બાગ ખાતે બનાવવામાં આવ્યા હતા. સમગ્ર ફિલ્મ મુંબઈમાં બનાવાયેલા સેટ પર ફિલ્માવવામાં આવી છે. એટલું જ નહીં, દૃશ્યો જીવંત લાગે એ માટે જૂના જમાનાની ટ્રામ, ટેન્ક, પ્રિન્ટિંગ પ્રેસનાં મશીન વગેરે દર્શાવવામાં આવ્યા છે.

વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શિત ફિલ્મના નિર્માતાઓ છે અભિષેક અગ્રવાલ અને પલ્લવી જોશી. ફિલ્મના કલાકારો છે મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, પલ્લવી જોશી, ગોવિંદ નામદેવ, પુનીત ઇસ્સર, બબ્બુ માન, પાલોમી માન, સિમરત કૌર, દર્શન કુમાર, નમાશી ચક્રવર્તી તથા અન્યો.

Exit mobile version