બેરોજગારીથી ત્રસ્ત અભિનેતાએ કરી આત્મહત્યા

કોરોનાને કારણે ભારતભરમાં અમલમાં મુકાયેલા લૉકડાઉનને કારણે અનેક જણ આર્થિક સંકટમાં મુકાયા છે. બેકારીની સાથે આર્થિક ભીંસને કારણે હતાશ થઈ ગયેલા ટીવી કલાકાર મનમીત ગ્રેવાલે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. નવી મુંબઈમાં પત્ની સાથે ભાડાના નાના ફ્લૅટમાં રહેતા 32 વર્ષીય અભિનેતાએ અંતિમ પગલું ભર્યું હતું.

લૉકડાઉનને કારણે ફિલ્મ-ટીવી સિરિયલોના શૂટિંગ બંધ હોવાને કારણે નાના-મોટા કલાકાર કસબીઓની આવક બંધ થઈ ગઈ છે. મનમીત ઘર ચલાવવા નાનામોટા પાત્રો ભજવતો હતો. એમાં શૂટિંગ બંધ થતાં જે થોડીઘણી કમાણી થતી એ પણ બંધ થઈ ગઈ. આમેય એના માથે દેવું ચડી ચુક્યું હતું. આવક નહોતી અને ઉધારી ચુકવી શકાતી ન હોવાથી શુક્રવારે રાત્રે મનમીતે ઘરમાં ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી.

મનમીત આદત સે મજબૂર અને કુલદીપકમાં કરેલા કામને કારણે જાણીતો બન્યો હતો. ઉપરાંત એક વેબ સિરીઝમાં પણ કામ કરી રહ્યો હતો. એ સાથે એક એક્ટિંગ સ્કૂલમાં પણ ભણાવતો હતો.

Exit mobile version