Table of Contents
થોડા દિવસોથી સમાચાર ઝળકી રહ્યા હતા કે બૉલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપુતનો પરિવાર મુંબઈ પોલીસ દ્વારા થઈ રહેલી તપાસથી સંતુષ્ટ નથી. આથી સુશાંતના પિતા કે.કે. સિંહે અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કે.કે. સિંહે રિયા પર અભિનેતાને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે. દરમ્યાન બૉલિવુડ અભિનેત્રી કંગના રનૌતે સુશાંતના પિતા દ્વારા એફઆઇઆરમાં લખાવાયેલી વિગતો સાથે સંકળાયેલી વૉટ્સઍપ ચેટ સોશિયલ મીડિયા પર લીક કરી છે.
કંગનાએ વૉટ્સઍપ ચેટને લીક કરવાની સાથે લખ્યું હતું કે, આ સ્ટેટમેન્ટ સુશાંત સિંહ રાજપુતના પિતાનું છે. માફિયાએ તો એને પાગલ ઠરાવ્યો હતો અને રિયા એને બ્લેકમેલ કરતી હતી. વિચારો, એ હવે શું સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે, એને પાગલ ગણાવવાની સાથે એના મૃત્યુનો લાભ ખાટવાની કોશિશ કરી રહ્યા છે.
સુશાંત સિંહના પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ શકના દાયરામાં આવેલી રિયા ચક્રવર્તી આગોતરા જામીન મેળવવા અપીલ કરવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
એટલું જ નહીં, કંગનાએ લખ્યું કે, 2019ના વરસ દરમ્યાન સુશાંતે એક પણ ફિલ્મનું શૂટિંગ કર્યું નહોતું. એને મૂવી માફિયાઓએ બૉયકોટ કરી દીધો હતો. એના પિતાએ આ વાત લખી છે કે એ ફિલ્મો છોડી ઓર્ગેનિક ફાર્મિંગ કરવા માંગતો હતો, એક પાવર હાઉસ એક્ટર ફાર્મિંગ શું કામ કરવા માંગે? જેણે પોતાની શાનદાર સાયન્સની કરિયર અભિનય માટે છોડી દીધી હોય. શું કામ? કંગના રનૌતે એના ટ્વીટમાં વધુમાં લખ્યું છે કે, એણે મૂવી માફિયાના બુલી થવાથી અને પ્રતિબંધોથી બચવા માટે. એકદમ ખતરનાક સ્ટ્રગલને પગલે માનસિક તાણ અનુભવાય એ સ્વાભાવિક છે. હૉલિવુડમાં લોકો એને ફ્લોન્ટ કહે છે. આખરે એણે આ કેમ્પેનનો સામનો કરવાને બદલે મોતને કેમ વહાલું કર્યું?
એટલું જ નહીં, કંગનાએ સવાલ ઉઠાવતા લખ્યું છે, સુશાંત સિંહ રાજપુતના અકાઉન્ટમાંથી ૧૫ કરોડ રૂપિયા ગાયબ છે અને મહેશ ભટ્ટે એમના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે રિયા ચક્રવર્તી એમને પોતાના ગુરૂ માનતી હતી. કંગનાએ લખ્યું છે કે એમાં આશ્ચર્યચકિત થવાની કોઈ વાત નથી ફ્રોડગીરી શીખાતી નથી ટ્રાન્સમિટ કરાય છે.
સુશાંતના પિતાએ રવિવારે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડસંહિતાની કલમો ૩૪૧, ૩૪૨, ૨૮૦, ૪૨૦, ૪૦૬ અને ૩૦૬ હેઠળ કેસ નાંધાવ્યો છે. એમાં અભિનેત્રી અને સુશાંતની ખાસ મિત્ર રિયા ચક્રવર્તી અને એના પરિવારજનોને આરોપી બનાવ્યા છે. સુશાંતના પિતાએ રિયા પર સુશાંતને પ્રેમની જાળમાં ફસાવી એના પૈસા કઢાવવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.
તપાસ કોણ કરશે મુંબઈ પોલીસ કે પટના પોલીસ?
દરમ્યાન સુશાંતના પિતાએ પટનામાં રિયા ચક્રવર્તી અને એના પરિવાર વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવ્યા બાદ આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે.
આપઘાત કે મૃત્યુ બાદ આ કેસમાં એક નવો ફણગો ફૂટ્યો છે. પટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સવાલ પૂછાઈ રહ્યો છે કે કેસની તપાસ એક જ પોલીસ સ્ટેશન કરી શકે છે. સુશાંતનો કેસ સૌપ્રથમ મુંબઈમાં નોંધાયો હોવાથી પટના પોલીસે ત્યાંનો કેસ મુંબઈ પોલીસમાં ટ્રાન્સફર કરવો પડશે. અન્યથા કેન્દ્ર સરકાર કેસ સીબીઆઈને સોંપી શકે છે. જોકે એવી દલીલ થઈ રહી છે કે સીબીઆઈને કેસ ત્યારે જ ટ્રાન્સફર થઈ શકે છે જ્યારે એવું લાગે કે પોલીસ યોગ્ય રીતે તપાસ કરતી નથી.