1987માં શરૂ થયેલી રામાયણ જોનારા દર્શકો આજે પણ એના પાત્રોને ભૂલ્યા નહીં હોય. દશરથથી લઈ રાજમહેલની દાસી મંથરા સુધીના તમામ પાત્રો પોતાની છાપ છોડી ગયા છે. સિત્તેરના દર્શકો તો રામાયણ ભૂલ્યા નથી પણ હવે એકવીસમી સદીમાં પણ રામાયણ ધૂમ મચાવી રહી છે. જોકે રામાયણના અમુક કલાકારો આજે હયાત નથી, તોચાલો, તેમના વિશે જાણીએ.
હનુમાન (દારા સિંઘ)
રામાયણનું આ પાત્ર મોટેરાઓની સાથે નાના બાળકોમા ઘણું પ્રિય બન્યું હતું. આજે પણ બૉલિવુડ કે ટેલિવુડમાં કોઈ હનુમાનજીનું પાત્ર ભજવે તો તુરંત એની સરખામણી રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવનાર દારા સિંઘ સાથે કરવામાં આવે છે. દારા સિંઘ બાદ ઘણા કલાકારોએ હનુમાનનું પાત્ર ભજવ્યું પણ દારા સિંઘ જેવો પ્રેમ કોઈને મળ્યો નહોતો. એવું કહેવાય છે કે શરૂઆતમાં દારા સિંઘે હનુમાનનું પાત્ર ભજવવાની અનિચ્છા દર્શાવી હતી. પણ રામાનંદ સાગરના આગ્રહની ભૂમિકા ભજવી અને દર્શકોનો અપાર પ્રેમ મેળવ્યો. દારા સિંઘે 12 જુલાઈ 2012ના અંતિમ શ્વાસ લીધા.
વિભીષણ (મુકેશ રાવલ)
રામાયણમાં રાવણના ભાઈ વિભીષણની ભૂમિકા ગુજરાતી નાટક અને હિન્દી-ગુજરાતી ફિલ્મોના અભિનેતા મુકેશ રાવલે ભજવી હતી. આ પ્રતિભાશાળી કલાકારનો મૃતદેહ પોલીસને કાંદિવલી પાસે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. 15 નવેમ્બર 2016ના દિવસે લોકલ ટ્રેનની અડફટમાં આવતા તેમનું મૃત્યુ થયું હતું.
મંથરા (લલિતા પવાર)
બ્લેક ઍન્ડ વ્હાઇટ ફિલ્મોના જમાનામાં હીરોઇનનું પાત્ર ભજવનાર લલિતા પવાર એક દુર્ઘટનાનો ભોગ બન્યા બાદ ચરિત્ર અભિનેત્રીની ભૂમિકા સ્વીકારવી પડી. જોકે પાછળથી ખલનાયિકા તરીકે તેમણે ખ્યાતિ મેળવી. રામાયણમાં પણ તેમણે કૈકેયીની ચડામણી કરનાર દાસી મંથરાનું પાત્ર ભજવ્યું હતું. લલિતા પવારનું અવસાન 24 ફેબ્રુઆરી 1988માં થયું.
મેઘનાદ ઇન્દ્રજીત (વિજય અરોરા)
પુણની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટના આ ગૉલ્ડ મેડલિસ્ટ અભિનેતાએ યાદોં કી બારાત જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યા બાદ રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં રાવણના નાનાભાઈ મેઘનાદ ઇન્દ્રજીતનું પાત્ર ભજવી અપાર લોકચાહના મેળવી. વિજય અરોરાએ માધુરી દીક્ષિત સાથે ગુજરાતી ફિલ્મ રાજા હરિશ્ચંદ્રમાં જોવા મળ્યો હતો. વિજય અરોરાએ ગુજરાતી ફિલ્મ ઉપરાંત નાટકો પણ ભજવ્યા હતા. 2 ફેબ્રુઆરી, 2007ના પેટના કેન્સરને કારણે તેમનું અવસાન થયું.
કૌશલ્યા (જયશ્રી ગડકર)
મરાઠી ફિલ્મોની જાણીતી અભિનેત્રીએ દશરથનાં પ્રથમ પત્ની અને રામની માતા કૌશલ્યાની ભૂમિકા ભજવી હતી. જાજરમાન રાજરાણીની સાથે માતા તરીકેની પીડાને તેમણે પરદા પર બખૂબી દર્શાવી હતી. તેમનું અવસાન 29 ઓગસ્ટ 2008ના થયું હતું.
જનક રાજા (મૂળરાજ રાજડા)
અનેક ગુજરાતી ફિલ્મ-સિરિયલ અને નાટકોમાં અભિનય કરી ચુકેલા મૂળરાજ રાજડા અભિનેતાની સાથે લેખક પણ હતા. તેમણે અનેક ગુજરાતી ફિલ્મો લખી હતી. રામાયણમાં તેમણે જનક રાજાની ભૂમિકા ભજવી હતી. તેમનો દીકરો સમીર રાજડા પણ એક સારો અભિનેતા છે અને રામાયણમાં પણ કામ કરી ચુક્યા છે. મૂળરાજ રાજડાનું અવસાન 23 સપ્ટેમ્બર 2012ના થયું હતું.
સુગ્રીવ (શ્યામ લાલ)
રામાયણમાં સુગ્રીવનું પાત્ર ભજવનાર શ્યામ લાલનું સોમવાર, તા 6 એપ્રિલના તેમના કાલકાસ્થિત નિવાસસ્થાને કેન્સરની બીમારીને કારણે થયું. જે દિવસે રામાયણમાં તેમનો રાજ્યાભિષેક થવાનો હતો એ જ દિવસે તેમનું અવસાન થયું.