1951થી 1963ના ગાળા દરમ્યાન ભારતીય ફૂટબૉલની ગાથા વર્ણવતી ફિલ્મ મૈદાનનું બીજું શિડ્યુલ મુંબઈમાં પૂરૂ કર્યા બાદ અજય દેવગણ અને એની ટીમ 3 નવેમ્બરથી કોલકાતા બીજા શિડ્યુલનો પ્રારંભ કરશે. ફિલ્મમાં અજય દેવગણ ભારતના લેજન્ડરી ફૂચબૉલ કૉચ સૈયદ અબ્દુલ રહિમની ભૂમિકા ભજવી રહ્યો છે તો એની હીરોઇન છે સાઉથની કીર્તિ સુરેશ.
ફિલ્મનું ત્રીજું શિડ્યુલ 3 નવેમ્બરથી કોલકાતા ખાતે શરૂ થશે અને દિગ્દર્શક છે અમિત શર્મા. ફિલ્મ ભારતીય ફૂટબૉલના ગૉલ્ડન પિરિયડ પર આધારિત છે અને આ ફિલ્મથી કીર્તિ સુરેશ બૉલિવુડમાં એન્ટ્રી કરી રહી છે.
મૈદાનના સર્જકોએ તાજેતરમાં મુંબઈની મુકેશ મિલમાં મહત્ત્વના સીન શૂટ કર્યા હતા. શૂટિંગ માટે મિલમાં મોટો સેટ તૈયાર કરાયો હતો તો સાથે વીએફએક્સની ટીમ અને લોસ એન્જલ્સથી આવેલા સ્પોર્ટ્સ કોરિયોગ્રાફર પણ ઉપસ્થિત હતા જેથી ફૂટબૉલ સિક્વન્સને અદ્ભભુત રીતે ફિલ્માવી શકાય.
સૈયદ અબ્દુલ રહિમ 1951 થી 1963 સુધી ભારતીય નેશનલ ફૂટબૉલ ટીમના કૉચની સાથે મેનેજર હતા. એમના નેતૃત્ત્વ હેઠળ ભારતીય ટીમ 1951 અને 1962માં એશિયન ગેમ્સમાં વિજેતા બની હતી.
ફિલ્મ શરૂ થઈ એ સમયે નિર્માતા બૉની કપૂરે જણાવ્યું હતું કે દેશમાં એવા અનેક હીરો છે જેમની સિદ્ધિઓ વિશે કોઈને જાણ નથી. ફિલ્મમાં અજય દેવગણ સૈયદ અબ્દુલ રહિમની ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન બધાઈ હો ફેમ અમિત શર્મા કરી રહ્યા છે અને મૈદાન 2020માં રિલીઝ થશે.