સલમાન ખાન અભિનયની સાથે હવે હોટેલ બિઝનેસમાં જંપલાવી રહ્યો છે. મળતા અહેવાલ મુજબ સલમાન ખાન મુંબઈના બાન્દ્રા વિતારમાં આવેલા કાર્ટર રોડ સ્થિત દરિયા કિનારે આવેલા એક પ્લૉટ પર હોટેલ બનાવવાની યોજના બનાવી છે.
મીડિયાના એક અહેવાલ મુજબ સલમાન ખાન પરિવાર કાર્ટર રોડ ખાતે દરિયા કિનારે આવેલા એક પ્લૉટ પર હોટેલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે મુંબઈ મહાનગરપાલિકાએ હોટેલ બિલ્ડિંગના પ્લાનને મંજૂરી આપી દીધી છે. અહીં ખાન પરિવાર 19 માળની હોટેલ બનાવશે.
કાર્ટર રોડ પરનો આ પ્લૉટ સલમા ખાનના નામનો છે અને અહીં પહેલા ખાન પરિવારે તેમના રહેણાંક માટે સ્ટારલેટ હાઉસિંગ સોસાયટી બનાવવાની શરૂઆત કરી હતી. જોકે એ પ્રોજેક્ટ પંદર વરસથી અધૂરો પડ્યો હતો. અહીં પહેલાં હાઉસિંગ સોસાયટી બનાવવાની યોજના હતી પણ ખાન પરિવારે વિચાર બદલ્યો અને હવે આ પ્લૉટ પરની અધૂરી ઇમારત તોડી ત્યાં ભવ્ય હોટેલ બનાવવામાં આવશે.
મુંબઈ મહાનગરપાલિકાને આપેલા પ્લાન મુજબ 19 માળની હોટેલની ઊંચાઈ 69.9 મીટર જેટલી હશે. આજે આવેલા સમાચાર મુજબ સલમાન ખાનના હોટેલ બનાવવાના પ્લાનને
મહપાલિકાએ મંજૂરી આપી છે. પ્લાન મુજબ હોટેલના પહેલા અને બીજા માળે રેસ્ટોરંટ બનાવવાનું પ્લાનિંગ છે. જ્યારે ત્રીજા માળે જિમ અને સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે. ચોથા માળનો ઉપયોગ સર્વિસ ફ્લોર તરીકે કરાશે. પાંચમા અને છઠ્ઠા માળ પર કન્વેન્શન સેન્ટર્સ હશે. જ્યારે સાતમાથી 19 માળ સુધી રૂમ્સ હશે.
સલમાન ખાનના હોટેલના પ્લાનને પાલિકાએ મંજૂરી આપી હોવા છતાં એ જાણવા નથી મળ્યું કે અધૂરા પડેલા મકાનને તોડી હોટેલનું કામ ક્યારે શરૂ કરાશે.