જાણીતા ફિલ્મ સર્જક સૂરજ બડજાત્યાએ સલમાન સાથે એકએકથી ચઢિયાતી ફિલ્મો બનાવી છે. તેમણે બનાવેલી મૈંને પ્યાર કિયા ફિલ્મે સલમાનને સ્ટારડમ અપાવ્યું. ત્યાર બાદ હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ અને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મો કરી. આ તમામ ફિલ્મોમાં સલમાન ખાનનું પ્રેમનું પાત્ર ઘણુ ફૅમસ થયું. હવે દિગ્દર્શક-અભિનેતાની જોડી ફરી એક વાર પરદા પર ધૂમ મચાવે એવી શક્યતા છે.
મળતા અહેવાલ મુજબ સૂરજ બડજાત્યા સલમાન ખાન સાથે એક ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યા છે. હકીકતમાં લૉકડાઉન દરમ્યાન સલમાને જ સૂરજને કહ્યું હતું કે કોઈ સારી વાર્તા અંગે વિચારે જેના પર ફિલ્મ બનાવી શકાય.
મળતા અહેવાલ મુજબ આ એક મજેદાર લવસ્ટોરી હશે જે લાંબા અરસાથી સૂરજ લખવાનું વિચારી રહ્યા હતા. જોકે દીકરાની ડેબ્યુ ફિલ્મમાં બિઝી થઈ ગયા હોવાથી વાર્તા લખી શકાતી નહોતી. આ લવસ્ટોરી સૂરજના પોતાનાં લગ્નથી પ્રેરિત છે. ફિલ્મ ૨૦૨૨માં ફ્લોર પર જાય એવી શક્યતા છે. કારણ, સૂરજ તેમના દીકરાની ડેબ્યુ ફિલ્મનું કામ પૂરૂં કરી શકે. તો ત્યાં સુધીમાં સલમાન ખાન પણ એની કભી ઇદ કભી દિવાળી અને અંતિમનું શૂટિંગ પૂરૂં કરી લેશે.