મિત્રો, આજે આપણે એક એવા કલાકારની વાત કરવી છે જેણે શૂન્યથી શરૂઆત કરી સફળતાના શિખરે પહોંચ્યો હોય. આપણે વાત કરી રહ્યા છીએ ધર્મેશ સરના નામે જાણીતા ડાન્સર-કૉરિયોગ્રાફર ધર્મેશ યેલાન્ડેની. મૂળ વડોદરાના આ કલાકારે ડાન્સ ક્લાસથી શરૂઆત કરી અનેક રિયાલિટી શોના જજ, બૉલિવુડની અનેક મોટી ફિલ્મોના કૉરિયોગ્રાફર તરીકે આગવું સ્થાન મેળવ્યું છે. અને હવે તેઓ પહેલીવાર એક ગુજરાતી ફિલ્મમાં હીરો તરીકે આવી રહ્યા છે. ફિલ્મનું નામ છે ‘સફળતા 0 કિમી.’
ફિલ્મ અંગે જણાવતા ધર્મેશ કહે છે કે, સફળતા 0 કિમીને એક રીતે તમે મારી જીવની કહી શકો છો. મારી કરિયરની શરૂઆત ભરૂચથી થઈ અને મુંબઈ તરફ ફંટાઈ હતી. ફિલ્મનો હીરો જેમ ડાન્સર તરીકે કરિયર બનાવવા માટે અનેક વિરોધનો સામનો કરવો પડ્યો હતો, તેમ મારે બીજા બધાનો તો ઠીક, ઘરનાઓએ પણ જબ્બર વિરોધ કર્યો. પણ મેં નક્કી કર્યું હતું કે કરિયર બનાવીશ તો ડાન્સર તરીકે જ.
સફળતા 0 કિમી પણ એક એવા યુવાનની વાત છે જે ડાન્સર બનવાનાં સપના જોતો હોય છે. એને માટે ભણતર કે ડિગ્રીનું મહત્ત્વ નથી પણ ડાન્સમાં નિપૂણતા મેળવવી એ જિંદગીનો એક માત્ર ધ્યેય છે. અને આખરે એ પોતાની મંઝીલે પહોંચે છે અને એક સમયે એનો વિરોધ કરનારાઓ જ એને અવોર્ડ આપવાની જાહેરાત કરે છે.
ડાન્સ ઇન્ડિયા ડાન્,, ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર, ડાન્સ કે સુપર સ્ટાર જેવા રિયાલિટી શો કરવાની સાથે એબીસીડીના બંને ભાગ, બેન્જો ઉપરાંત ગયા મહિને રિલીઝ થયેલી સ્ટ્રીટ ડાન્સર 3-ડીમાં પણ ધર્મેશે કામ કર્યું હતું. મુંબઈ આવ્યા બાદ બૉલિવુડના ટોચના કૉરિયોગ્રાફર અને દિગ્દર્શક રેમો ડિસોઝા સાથે સંકળાયેલા ધર્મેશને પૂછ્યું કે ગુજરાતી ફિલ્મ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?ના જવાબમાં જણાવ્યું કે ફિલ્મના દિગ્દર્શ અક્ષય યાજ્ઞિકે અનેકવાર મારો સંપર્ક કર્યો. આખરે મેં અક્ષયને પંદર-વીસ મિનિટ માટે મળવાની હા પાડી. અક્ષયે જે રીતે ફિલ્મની વાર્તા સંભળાવી કે નેરેશન બાદ મેં એટલું જકહ્યું કે હું ફિલ્મ કરી રહ્યો છું.
![](https://filmyaction.com/wp-content/uploads/2020/02/Safalta_Dharmesh-Yelande-1.jpg)
મને આનંદ એ વાતનો છે નિર્માતા પિનલ પટેલે પણ ફિલ્મ બનાવવામાં કોઈ કચાશ રાખી નથી. ભલે તેમની પહેલી ફિલ્મ હોય પણ કલાકાર-કસબીઓને તેમણે છૂટો દોર આપ્યો હતો અને એનું રિઝલ્ટ તમને પરદા પર જોવા મળશે.
ફિલ્મ વિશે નિર્માતા પિનલ પટેલ કહે છે કે ફિલ્મનો હીરો એટલો નૃત્યમય છે કે પક્ષીઓનો કેકારવ સાંભળે કે થિરકવા લાગે. એના લોહીના કણ કણમાં નૃત્ય છે. એ ડાન્સ સિવાય બીજું કંઈ વિચારી પણ શકતો નથી. અને એટલા માટે અમે ધર્મેશ યેલાન્ડે જેવા વિખ્યાત ડાન્સર-કૉરિયોગ્રાફરની ફિલ્મના હીરો તરીકે પસંદ કર્યો. ફિલ્મનો હીરો આજના યુવાનો માટે પ્રેરણારૂપ બની શકે છે.
14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી RZ એન્ટરટેઇન્મેન્ટ પ્રા. લિમિટેડ બેનર હેઠળ બનેલી અક્ષય યાજ્ઞિક દિગ્દર્શિત ફિલ્મના મુખ્ય કલાકારો છે ધર્મેશ યેલાંડે, નિકુંજ મોદી, મનીષા ઠક્કર, શિવાની જોશી, તરૂણ નિહિલાની, શિવાની પટેલ, ધર્મેશ વ્યાસ, કુરુષ દેબુ, ઉદય મોદી, પૌરવી જોશી અને શિવમ તિવારી. પંકજ કંસારા લિખિત ફિલ્મનું સંગીત વીરલ-લાવણનું છે.