આ વખતે સૈફ અલી ખાન, નવાજુદ્દીન સિદ્દીકી અને પંકજ ત્રિપાઠીની સાથે
કલ્કી કોચલીન અને રણવીર શૌરી પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે
સેક્રેડ ગેમ્સ સીઝન-1ના આઠ એપિસોડ જોયા બાદ દર્શકોની ઉત્સુકતામાં ઓર વધારો થયો છે અને બીજી સીઝન ક્યારે શરૂ થાય છે એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. દર્શકોની આતુરતાનો અંત લાવવાની સાથે નેટફ્લિક્સે સીઝન-2નો લૂક રિલીઝ કરવાની સાથે એનું કાઉન્ટડાઉન પણ શરૂ કર્યું છે.
સીઝન-2માં બત્યા તરીકે કલ્કી કોચલીન અને શાહિદ ખાન તરીકે રણવીર શૌરી મહત્ત્વની ભૂમિકામાં નવા ખેલમાં સામેલ થશે. નવી સીઝન મુંબઈની ગુનાખોરીની દુનિયાની પૃષ્ઠભૂમિમાં આ નવા પાત્રો સાથે દોસ્તી, વિશ્વાસઘાત, અપરાધ, જનૂન અને એક રોમાંચક કિસ્સા સાથે પાછી આવી રહી છે.

બીજી સીઝન સરતાજ સિંહ (સૈફ અલી ખાન) શહેરને બચાવવા માટે એક જનૂન સાથે આગળ વધે છે. તો બીજી બાજુ ગણેશ ગાયતોંડે (નવાજુદ્દીન સિદ્દીકી) મુંબઈના કિંગપિન તરીકેનું સ્થાન જાળવી રાખવા માટે ભારે પડકારનો સામનો કરવો પડે છે. પહેલી સીઝનમાં ગાયતોંડેના ત્રીજા પિતા બનેલા રહસ્યમય ગુરૂજી (પંકજ ત્રિપાઠી) રહસ્ય પરથી પરદો હટાવી સીઝનને એક નવો આયામ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે ગણેશ ગાયતોંડેના ટ્રેકનું દિગ્દર્શન કર્યું છે. જ્યારે નીરજ ઘાયવન (મસાન ફેમ) સીઝન-2ના સરતાજ સિંહના પ્લોટ સર્જનાર મુખ્ય વ્યક્તિ છે.
બત્યાની ભૂમિકા ભજવનાર કલ્કી કોચલિને શોમાં સામેલ થવા અંગે જણાવ્યું કે, વ્યક્તિગત રીતે હું આ સિરીઝની ફૅન છું અને સેક્રેડ ગેમ્સ અને નેટફ્લિક્સ પરિવારનો હિસ્સો બનવું એ અદભુત અનુભવ છે. સીઝન-2માં દર્શકો મને જુએ એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું.
શાહિદ ખાનની ભૂમિકા ભજવનાર રણવીર શૌરીએ કહ્યું, ડિજિટલ પ્લેટફોર્મ એક સશક્ત પ્લેટફોર્મ છે અને દર્શકોના માનીતા શોમાં કામ કરવું એ મારા માટે આનંદની વાત છે. સેક્રેડ ગેમ્સમાં મારૂં શાહિદ ખાનનું પાત્ર મેં ભજવેલા અગાઉના કિરદારો કરતા એકદમ અલગ છે. અને હું બેસબ્રીથી ઇંતજાર કરી રહ્યો છું.
વિક્રમ ચંદાની પુરસ્કાર વિજેતા પુસ્તક પર આધારિત સેક્રેડ ગેમ્સ સીઝન-2નો પ્રીમિયર આ વરસના અંતમાં થશે.