એસ. એસ. રાજામૌલી અને પેન મરુધરના જયંતિલાલ ગડાની ફિલ્મે એક હજારની કમાણીનો આંકડો પાર કર્યો એની ખુશાલીમાં મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પાસે આવેલી સહારા સ્ટાર હોટેલમાં રંગારંગ પાર્ટીનું આયોજન કર્યું હતું. આરઆરઆરની સક્સેસ પાર્ટીમાં ફિલ્મના કલાકાર રામ ચરણ, જુનિયર એનટીઆર ઉપરાંત જિતેન્દ્ર, જાવેદ ખાન, કરણ જોહર, આમિર ખાન, પલક તિવારી, મકરંદ દેશપાંડે, શરદ કેલકર, હુમા કુરેશી, રાખી સાવંત, જ્હૉની લિવર સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
જોકે ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટ પાર્ટીમાં આવી નહોતી. એવી ચર્ચા ચાલી રહી હતી કે ફિલ્મમાં એની ભૂમિકા નાનકડી હોવાથી એ એસ. એસ. રાજામૌલીથી નારાજ છે. જોકે આલિયાએ થોડા દિવસ અગાઉ આ વાતને રદિયો આપ્યો હતો.
25 માર્ચે રિલીઝ થયેલી આરઆરઆરે દુનિયાભરની કમાણીનો એક હજારનો આંકડો પાર કર્યો છે. ફિલ્મના હિન્દી વર્ઝને બુધવાર સુધીમાં 200 કરોડ રૂપિયાનો ધંધો કર્યો હતો.
આરઆરઆર બે ભારતીય ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજુ (રામ ચરણ) અને કોમારામ ભીમ (જુનિયર એનટીઆર)ની બ્રિટિશ રાજ સામેની લડાઈની કાલ્પનિક વાત છે. સક્સેસ પાર્ટીમાં જુનિયર એનટીઆર બ્લેક ટી શર્ટ અને બ્લુ ડેનિમ સાથે બ્લેક બ્લેઝર પહેરીને હાજરી આપી હતી. તો રામ ચરણ બ્લેક કુર્તા-પાયજામામાં આવ્યો હતો. મજાની વાત એ હતી કે રામ ચરણ રેડ કાર્પેટ પર જૂતા પહેર્યા વગર આવ્યો હતો અને ખુલ્લા પગે જ ફોટોગ્રાફર્સને પૉઝ આપ્યા હતા.
ફિલ્મની સફળતા અંગે રામ ચરણને પૂછતા અભિનેતાએ કહ્યું કે, આ ફિલ્મ બનાવવા માટે અમે 2018થી એક લાંબી સફર શરૂ કરી હતી જેના મીઠાં ફળ આજે મળી રહ્યા છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન સવારે પાંચ વાગ્યે ઉઠી સાત વાગ્યામાં લોકેશન પર પહોંચી જતા. અને પહેલો શોટ સાડા સાત વાગ્યે આપતા. સાઉથની સાથે નોર્થમાં પણ નવો ચાહક વર્ગ મળ્યો એ ઘણા આનંદની વાત છે.