ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અને અવૉર્ડ વિનર ડિરેક્ટર હીરાલાલ ખત્રીની યશકલગીમાં ઓર એક પીંછું ઉમેરાયુ છે. શ્રી ખટીક સમાજ રાષ્ટ્રીય સંગઠન મંચે તેમની સલાહકાર અને સાંસ્કૃતિક મંત્રી તરીકે નિયુક્તિ કરી છે.
હીરાલાલ ખત્રીએ આ અંગે જણાવ્યું કે વરસોથી હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે અનેક સાંસ્કૃતિક સંગઠનો સાથે સંકળાયેલો છું. હવે ખટીક સમાજના સાંસ્કૃતિક મંત્રી તરીકે મારી નિયુક્તિ થતાં કલા ક્ષેત્રે સેવા કરવાનો ઓર મોકો મળશે, અને એ માટે હું ખટીક સમાજનો આભાર માનું છું.
1998થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત હીરાલાલ ખત્રીએ કરિયરની શરૂઆતમાં હિન્દી, ગુજરાતી, મરાઠી, રાજસ્થાની સહિતની 36 ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કરી દિગ્દર્શન ક્ષેત્રનો બહોળો અનુભવ મેળવ્યો. ત્યાર બાદ 2008માં ચાણક્યની છેલ્લી ચાલથી સ્વતંત્ર દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું. એ પછી તો તેમની ધમો ધમાલિયો, જિંદગી લખી મેં તો પિયુ તારે નામ, વીરાની વહાલી, લવ યુ યાર, લવ એમબીબીએસ, ટીનેજર્સ, ધ લોસ્ટ નાઇટ જેવી હિટ ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝનું પણ દિગ્દર્શન કર્યુ છે.
દિગ્દર્શક તરીકે રાજપાલ યાદવથી લઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચુકેલા હીરાલાલ ખત્રીની અનેક ફિલ્મો અવૉર્ડ મેળવી ચુકી છે.