સરકારથી લઈ સામાજિક સંસ્થાઓ જેના વિરુદ્ધ અવિરત અભિયાન ચલાવી રહ્યા હોવા છતાં સાયબર ફ્રોડના કિસ્સાઓ ઘટવાનું નામ નથી લેતા. સાયબર ક્રાઇમની જાળમાં માત્ર અભણ કે સામાન્ય વ્યક્તિ જ નહીં, પણ ભણેલાગણેલા અને જેને બુદ્ધિજીવી કહી શકાય એવા લોકો પણ ફસાતા હોવાના અનેક કિસ્સા છાપે ચઢ્યા છે. અનેક ચેતવણી છતાં લોકો ફોન કરનાર અજાણી વ્યક્તિને તેમનો ઓટીપી આપી દેતા હોય છે. સ્માર્ટ ફોન જ્યારથી આવ્યા છે અને ઑનલાઇન બેન્કિંગ સેવાની સાથે ઑનલાઇન ગેમિંગ ઍપ શરૂ થઈ એ પછી સાયબર ક્રાઇમ કરનારાઓનો તો જાણે રાફડો ફાટ્યો છે.
સાબર ક્રાઇમ વિશે આટલી લાંબી પ્રસ્તાવના કરવાનું કારણ, આ વિષય પર આધારિત ગુજરાતી ફિલ્મ શસ્ત્ર. પહેલી મેના રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ શસ્ત્રની વાર્તાના કેન્દ્રમાં છે સાયબર ક્રાઇમ. દિગ્દર્શક કર્તવીય શાહે ફિલ્મની વાર્તાને પ્રી અને પોસ્ટ ઇન્ટરવલ એમ બે ભાગમાં દર્શાવી છે. આમ છતાં કથાના સાતત્યની સાથે દર્શકની કુતુહલતા પણ જળવાઈ રહે છે. ફિલ્મની શરૂઆતમાં અમુક વ્યક્તિઓના મોબાઇલ પર મેસેજ આવે છે અને થોડીવારમાં મોબાઇલ બ્લાસ્ટ થાય છે અને એ વ્યક્તિઓ મૃત્યુ પામે છે. દર્શકો પણ અચંબિત થઈ જાય છે કે આ શું થઈ રહ્યું છે. ધડાકા બાદ વાર્તાનો નવો એંગલ શરૂ થાય છે.
મધ્યમવર્ગીય પરિવારનો કૉલેજમાં ભણતો યુવાન અનેક ફીચર્સ ધરાવતો મોંઘો મોબાઇલ ફોન લેવા માટે ઑનલાઇન ગેમિંગના રવાડે ચઢે છે. જેમ ટાર્ગેટ પૂરો થાય તેમ ઇનામની રકમ બમણી થતી જાય છે. અને એક સમય એવો આવે છે કે જો એ છેલ્લી ટાર્ગેટ પૂરી કરે તો એનો મનપસંદ મોબાઇલ ખરીદી શકે. અને છેલ્લી ટાર્ગેટ છે યુવતીનો અશ્લીલ ફોટો અપલોડ કરવાનો. એ દ્વિધામાં મુકાય છે. દરમિયાન એની પ્રેમિકાનો વાંધાજનક ફોટો વાયરલ થાય છે. અહીંથી ફિલ્મનો નવો ટ્રેક શરૂ થાય છે.
દરમિયાન સાયબર સેલના એસીપી રાઘવ (ચેતન ધાનાણી) અને તેમની ટીમ સાયબર ફ્રોડ કરનારાઓની શોધમાં છે. પરંતુ રાઘવની ટીમ કરતા ગુનેગારો વધુ સ્માર્ટ હોવાનું પુરવાર થાય છે. ગુનેગારોને પકડવા માટે રાઘવની પ્રેમિકા અને સાયબર સિક્યુરિટીનું શિક્ષણ આપતી વૈદેહી (પૂજા જોશી)નો સાથ મળે છે. રાઘવને એક એવા હૅકરની જરૂર હતી જે તપાસ દરમિયાન મળેલા ડાટાને ડીકોડ કરી શકે. એવી વ્યક્તિ મળે પણ છે અને એ સાયબર ફ્રોડના માસ્ટર માઇન્ડ સુધી પહોંચાડે પણ છે.
સાયબર ક્રાઇમનો માસ્ટર માઇન્ડ કોણ છે અને ફિલ્મની શરૂઆતમાં મોબાઇલ બ્લાસ્ટ દ્વારા થયેલી હત્યાને શું સંબંધ છે એનું રહસ્ય જાળવી રાખવામાં દિગ્દર્શક સફળ રહ્યા છે. ફિલ્મના તમામ કલાકારો ચેતન ધાનાણી, પૂજા જોશી, શ્રેય મરડિયા, પ્રિયલ ભટ્ટ, હેમિન ત્રિવેદી, દીપ વૈદ્ય, ભૂષણ ભટ્ટ, કલ્પેશ પટેલે તેમના પાત્રને અનુરૂપ અભિનય કર્યો છે.
પહેલી મેના દિવસે રેઇડ-2 જેવી બૉલિવુડની ફિલ્મ સાથે રિલીઝ થયેલી શસ્ત્ર એક વખત જોવા જેવી તો ખરી જ.
આજના ચલણ મુજબ ફિલ્મનો રિવ્યુ સ્ટારથી આપવો હોય તો શસ્ત્રને થ્રી-સ્ટાર આપી શકાય.