રાષ્ટ્રપુત્રથી દેશના લેજન્ડરી અને સૌથી મોટા બેનર
ધ બૉમ્બે ટૉકીઝ સ્ટુડિયોઝનું કમબેક થઈ રહ્યું છે
વિશ્વભરમાં જે રીતે રાષ્ટ્રપુત્રને આવકાર મળી રહ્યો છે એને કારણે સાતમા આસમાનમાં વિહરી રહેલા લેખક-એડિટર-ડિરેક્ટર અને અભિનેતા આઝાદે ફિલ્મ અંગેની અનેક વાતો પત્રકારો સાથે શૅર કરી હતી. વિશ્વભરથી આવેલા દર્શકો સમક્ષ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રાષ્ટ્રપુત્રનું સ્ક્રીનિંગ કર્યા બાદ આઝાદે ફિલ્મને 28 ભાષામાં વિશ્વભરમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. સર્જકના કહેવા મુજબ તેઓ પહેલાં અંગ્રેજી, સ્પેનિશ, જર્મન, ફ્રેન્ચ, જપાનીસ, ટર્કિશ વગેરે ભાષામાં રિલીઝ કર્યા બાદ ગુજરાતી, મરાઠી, બંગાળી, ઓરિયા, આસામી, ભોજપુરી, પંજાબી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ કરશે.
આઝાદે વધુમાં ઉમેર્યું હતું કે, રાષ્ટ્રપુત્રમાં દેશને પ્રેમ કરવાની સાથે એને માટે મરી મીટવાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં મેં ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની ભૂમિકા ભજવી છે જે દેશને માટે જીવ્યા અને મર્યા તો દેશને માટે. આ કદાચ પહેલીવાર બન્યું હશે કે દેશના એક ક્રાંતિકારી નેતાની વાત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના માધ્યમથી દુનિયા સમક્ષ રજૂ કરાઈ હોય. ફિલ્મના સ્ક્રીનિંગ દરમ્યાન નિર્માત્રી કામિની દુબે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ગર્વની વાત એ છે કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સમગ્ર એશિયામાંથી એક માત્ર મહિલા પ્રોડ્યુસર કામિની દુબે જ ઉપસ્થિત હતાં. ચંદ્રશેખર આઝાદ આજના યુવાનો માટે પણ પ્રેરણાના સ્રોત જેવા છે.
આ ફિલ્મથી દેશના લેજન્ડરી અને સૌથી મોટા બેનર ધ બૉમ્બે ટૉકીઝ સ્ટુડિયોઝનું કમબેક થઈ રહ્યું છે. 1935થી 1955 દરમ્યાન બૉમ્બે ટૉકીઝમાં 115 ફિલ્મો બની હતી. એટલું જ નહીં, બૉમ્બે ટૉકીઝે અશોકકુમાર, દિલીપકુમાર, દેવ આનંદ અને રાજ કપૂર જેવા આઇકોનિક એક્ટર્સ ઉપરાંત કોકિલકંઠી ગાયિકા લતા મંગેશકર, આશા ભોસલે, સુરૈયા, મન્ના ડેની સાથે ગાયક-અભિનેતા-ફિલ્મસર્જક કિશોરકુમાર જેવા સદાબહાર કલાકાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપ્યા. તો સત્યજીત રે, રાજ કપૂર, વી. શાંતારામ, ગુરૂ દત્ત, હૃષિકેશ મુખર્જી, એલ. વી. પ્રસાદ, બિમલ રૉય, શક્તિ સામંત, કિશોર સાહુ, ફણી મઝુમદાર વગેરેએ તેમની શરૂઆત બૉમ્બે ટૉકીઝથી કરી હતી.