લેખક-દિગ્દર્શક મનોજ શર્માએ સેક્સ પાવર વધારવાના નુસખા પર આધારિત સક્સેસફુલ કૉમેડી ફિલ્મ શર્માજી કી લગ ગઈ આપ્યા બાદ હવે નિર્માતા કમલ કિશોર શર્મા સાથે ત્રણ ફિલ્મો બનાવી રહ્યા છે. જેમાંની પહેલી ફિલ્મ ખલી બલીનું શૂટિંગ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલા ઓસિયન વિલા ખાતે શરૂ થઈ ગયું છે. પહેલા જ દિવસે ફિલ્મના તમામ મુખ્ય કલાકાર ઉપસ્થિત હતા. અને કેમ ન હોય, દરેક કલાકારનો ઇન્ટ્રોડ્યુસિંગ સીન ત્યાં ફિલ્માવાનો હતો. શૂટિંગનું આકર્ષણ હતી મધુ શાહ. અજય દેવગણ સાથે ફૂલ ઔર કાંટેથી બૉલિવુડમાં પદાર્પણ કરનાર મધુ આઠ વરસે ફરી ફિલ્મોમાં રી-એન્ટ્રી કરી રહી છે.

શૂટિંગ દરમ્યાન મધુએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું હતું કે, આઠ વરસ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાછી ફરી રહી છું ત્યારે એવું લાગે છે કે હું સ્વગૃહે પાછી ફરી છું. ફૂલ ઔર કાંટેના પહેલા દિવસના શૂટિંગ વખતે જેટલો રોમાંચ અનુભવ્યો હતો એટલો જ આજે અનુભવી રહી છું. જોકે ફિલ્મની મારી ભૂમિકા છે અને એની વાર્તા અંગે વધુ કહીશ નહીં પણ મને લાગે છે કે કમબેક માટે આનાથી સારી બીજી કોઈ ફિલ્મ હોઈ શકે નહીં.

ફિલ્મની મુખ્ય બેલડી છે રજનીશ દુગ્ગલ અને કાયનાત અરોરા. જ્યારે ફિલ્મમાં જે બંગલો કેન્દ્ર સ્થાને છે એના કેરટેકરની ભૂમિકા રાજપાલ યાદવ અને યાસ્મીન ખાન ભજવી રહ્યા છે. ઉપરાંત ફિલ્મમાં વિજય રાજ, બ્રિજેન્દ્ર કાલા, હેમંત પાંડે, રોહન મેહરા અને અસરાની પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મનું અન્ય આકર્ષણ છે ટિક ટૉકમાં જેના વિડિયોના લાખો વ્યુઅર્સ છે એવી એકતા જૈન. ટિક ટૉક માટે એકતાએ બૉલિવુડના અનેક દિગ્ગજ કલાકાર સાથે વિડિયો બનાવ્યા છે જેમાં ધર્મેન્દ્ર, રાહુલ રૉય, અસરાની, રજનીશ દુગ્ગલ, જૉની લીવર, મંદાકિની વગેરેનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here