દેશમાં કોવિડ મહામારીની સાથે ચૂંટણીનો પણ જબરજસ્ત માહોલ છે. લોકો મહામારીની સાથે રાજકીય પક્ષોની શાબ્દિક મારામારી જોઈ અકળામણ અનુભવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં લોકોની હાડમારી, ટેન્શન, મુંઝવણો દૂર કરી મનને પ્રફુલ્લિત કરે એવા ડૉઝની જરૂર છે ત્યારે બ્લ્યુ લાયન એન્ટરટેઇન્મેન્ટ કંપની મજેદાર કૉમેડી ફિલ્મ રંગીલો રસિકલાલ લઈને આવી રહી છે. 21 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ દર્શકોના મનને હળવુંફુલ કરવાની ગેરેન્ટી રંગીલો રસિકલાલ આપે છે.
માત્ર રસિકલાલ જ નહીં, ગુજરાતી-હિન્દી ફિલ્મ, સિરિયલ અને ફિલ્મોના દિગ્ગજ કલાકાર કસબીઓ પણ આજ વાત કહી રહ્યા છે. જેમ કે લેખક-અભિનેતા બાબુલ ભાવસાર, લેખક-અભિનેતા દિલીપ રાવલ, દિગ્દર્શક ઉમેશ શુક્લ, અનુપમા સિરિયલના મામા શેખર શુક્લ, અમદાવાદના દિગ્ગજ કલાકાર જિતેન્દ્ર ઠક્કર, અભિનેતા-દિગ્દર્શક વિપુલ વિઠલાણી, કલાકાર પ્રીતેશ ભરૂચા હોય કે તારક મહેતાનો બાઘો એટલે કે તન્મય વેકરિયા. તમામનું કહેવું છે કે રંગીલો રસિકલાલ દર્શકો માટે મનોરંજનનો બૂસ્ટર ડૉઝ પુરવાર થશે.
ગુજરાતી ફિલ્મોના અગ્રણી લેખક-દિગ્દર્શક નિલેશ મહેતા દ્વારા દિગ્દર્શિત રંગીલો રસિકલાલમાં રસિકલાલની મુખ્ય ભૂમિકા ગુજરાતી નાટ્ય જગતના કૉમેડીના બાદશાહ જયદીપ શાહે ભજવી છે. ફિલ્મના અન્ય કલાકારો છે વિયોના પાટિલ, સમર્થ શર્મા, યામિની જોશી, દર્શન માવાણી, રાજાભાઈ, રિચા શાહ, મેઘા પટેલ, કેકિન શાહ અને પ્રિયા ધારિયા.
કૉમેડી ફિલ્મો લખવામાં જેમની હથોટી છે એવા કિશોર સચદેની પટકથા-સંવાદો પર આધારિત ફિલ્મનાં ગીતો કેશવ રાઠોડે લખ્યાં છે. તો સંગીત રાજુભાઈ માસ્ટરનું છે. જ્યારે કૉમેડી દૃશ્યોને પર્ફેક્ટ ટાઇમિંગ સાથે કેમેરામાં ઝડપ્યા છે અમર વ્યાસે. ફિલ્મની ગતિ જળવાઈ રહે અને દર્શકો ક્યાંય રસક્ષતિ ન અનુભવે એવું સંકલન કર્યુ છે ચૈતન્ય તન્નાએ.