૧૩ ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી અભિષેક દુધિયા દિગ્દર્શિત ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયામાં સંજય દત્તે રણછોડદાસ રબારી નામના પગીનું પાત્ર ભજવ્યું છે. ૧૯૭૧ના યુદ્ધ ટાણે જ નહીં, ભારતીય મિલિટરીને અનેકવેળા સહાયરૂપ બનેલા રણછોડદાસ પગીએ ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભજવેલી ભૂમિકાની વાતો સાંભળી કોઈના પણ રુંવાટા ખડા થઈ જાય એવી છે. આમ છતાં આજની જ નહીં, આગલી પેઢીના લોકોને પણ રણછોડદાસ પગી વિશે ભાગ્યે જ જાણતા હશે.
૧૯૭૧ના યુદ્ધમાં ભારતના સરસેનાપતિ રહી ચૂકેલા ફિલ્ડ માર્શલ સેમ માણેકશા ૨૦૦૮માં તમિલનાડુની વેલિગ્ટન હોસ્પિટલમાં સારવાર લેતા હતા ત્યારે એક નામ અવારનવાર લેતા, પગી. એક દિવસ ડૉક્ટરે પૂછી લીધું, સર આ પગી છે કોણ?
સેમ સાહેબે જે વાત કહી એ સાંભળી બધા ચકિત રહી ગયા.
૧૯૭૧નું યુદ્ધ ભારત જીતી ગયું હતું, સેમ માણેકશા ઢાકામાં હતા. તેમણે આદેશ આપ્યો કે પગીને બોલાવો, આજે ડિનર એમની સાથે કરીશ. હેલિકૉપ્ટર મોકલવામાં આવ્યું. પગી હેલિકૉપ્ટરમાં બેઠા ત્યારે યાદ આવ્યું કે તેમની થેલી નીચે રહી ગઈ છે. હેલિકૉપ્ટરે ફરી લેન્ડિંગ કર્યું. નિયમ મુજબ થેલી હેલિકૉપ્ટરમાં લેતા પહેલાં ચેક કરવામાં આવી ત્યારે અધિકારી દંગ રહી ગયા. કારણ, એમાં બે રોટી, કાંદા અને ગાંઠિયા હતા. ડિનરમાં એક રોટી સેમસાહેબે ખાધી અને બીજી પગીએ. ઉત્તર ગુજરાતના સૂઇગામ આંતરરાષ્ટ્રીય સીમા વિસ્તારની એક પોસ્ટને રણછોડદાસ પોસ્ટ નામ અપાયું છે. પહેલીવાર એવું બન્યું કે એક સિવિલિયનનું નામ સેનાની કોઈ પોસ્ટને અપાયું હોય, એટલું જ નહીં, ત્યાં તેમની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.
પગીનો અર્થ થાય છે, માર્ગદર્શક. એક એવી વ્યક્તિ જે રણ પ્રદેશમાં રસ્તો બતાવે. રણછોડદાસ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનની સીમાને અડીને આવેલા પેથાપુર ગઢડાના વાતની અને પશુપાલન તેમનો વ્યવસાય. તેમના જીવનમાં ત્યારે બદલાવ આવ્યો જ્યારે બનાસકાંઠાના પોલીસ સુપરિટેન્ડન્ટ વનરાજ સિંહ ઝાલાએ તેમને પોલીસના માર્ગદર્શક તરીકે રાખ્યા.
તેઓ એટલા કાબેલ હતા કે ઊંટના પગના નિશાન જોઈ કહી દેતા કે એના પર કેટલા માણસો સવાર થયા છે. માણસના પગલાં જોઈ વજનથી લઈ ઉમર સુધીનો અંદાજ લગાવી શકતા. પગલાં કેટલા સમય પહેલાંના છે અને એ કેટલો દૂર ગયો હશે એનો ચોક્કસ અંદાજ જણાવવાની ક્ષમતા તેમનામાં હતી.
1965ના યુદ્ધની શરૂઆતમાં પાકિસ્તાની સેનાએ ગુજરાતમાં કચ્છ જિલ્લાના વિધકોટ પર કબજો કર્યો હતો. અહી ખેલાયેલા યુદ્ધમાં ભારતના સો જેટલા જવાનો શહીદ થયા હતા. આવા કટોકટીના સમયે ભારતીય સેનાની 10 હજાર સૈનિકોવાળી એક ટુકડીએ ત્રણ દિવસમાં છારકોટ પહોંચવું જરૂરી હતું. ત્યારે પહેલીવાર સૈન્યને રણછોડદાસ પગીની જરૂર પડી. રણના ભોમિયા એવા રણછોડદાસે સેનાને નિશ્ચિત સમયના બાર કલાક પહેલા તેમની મંજિલે પહોંચાડ્યા. સેનાના માર્ગદર્શન માટે સેમ માણેકશાએ પોતે તેમને માર્ગદર્શક તરીકે નિયુક્ત કર્યા અને સેનામાં એક નવું પદ બનાવ્યું – પગી.
ભારતીય સીમામાં છુપાયેલા 1200 પાકિસ્તાનીઓનું લોકેશન તથા અંદાજે કેટલા સૈનિકો છે એનો આંકડો માત્ર તેમના પગલાંના આધારે જાણી ભારતીય સેનાને આપ્યો. બસ. સેના માટે આટલું પૂરતું હતું એ મોરચો જીતવા માટે.
1971ના યુદ્ધમાં સેનાના માર્ગદર્શક ઉપરાંત યુદ્ધ મોરચે હથિયાર-દારૂગોળો પહોંચાડવાની જવાબદારી પણ પગીની હતી. પાકિસ્તાનના પાલીનગર શહેર પર ભારતીય તિરંગો લહેરાવાયો એ જીતમાં પગીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હતી. એ સમયે સેમ સાહેબે તેમના તરફથી 300 રૂપિયાનું રોકડ ઇનામ પગીને આપ્યું હતું. 1965 અને 1971ના યુદ્ધમાં આપેલા યોગદાન બદલ પગીને ત્રણ અવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સંગ્રામ પદક, પોલીસ પદક અને સમર સેવા પદકનો સમાવેશ થાય છે.
27 જૂન 2008માં સેમ માણેકશાનું અવસાન થયું. તો 2009માં પગી રણછોડદાસ રબારીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તમને જાણીને આશ્ચર્ય થશે કે નિવૃત્તિ ટાણે તેમની ઉંમર 108 વર્ષની હતી. દેશની વરસો સુધી સેવા કરનાર રણછોડદાસ પગીનું 112 વર્ષની વયે 2013માં અવસાન થયું.