ગુજરાતી ફિલ્મમાં પહેલીવાર બેલે ડાન્સ જોવા મળશે
સ્મિત વંદન ફિલ્મ પ્રોડક્શન બેનર હેઠળ નિર્મિત અને રાજદીપ દિગ્દર્શિત ફિલ્મ ગુજરાતથી ગોવા ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં રજૂ થનારી ફિલ્મના ક્લાઇમેક્સને ફાઇવ સ્ટાર ક્રૂઝમાં ફિલ્માવવામાં આવ્યો છે. ફિલ્મના પોસ્ટરમાં હીરો – હિરોઈને મોજમસ્તી કરતા જોવા મળે છે. તો એક બાજુ ખૂંખાર ખલનાયક શક્તિ કપૂર કોઈને મોતના ઘાટમાં ઉતારવાની તૈયારીમાં હોય એવું લાગે છે. જ્યારે શેખર શુક્લા યુવાનોને કંઈ શીખ આપી રહ્યાનું જણાય છે.

ફિલ્મની વાર્તા વિશે પૂછતા રાજદીપ કહે છે કે વાર્તાના કેન્દ્રમાં અમીર બાપના બે દીકરાઓની વાત છે જેઓ ખોટી સોબતને કારણે કેવી રીતે મુસીબતમાં મુકાય છે અને એમાંથી બહાર આવવા તેમણે કેવી મથામણ કરવી પડે છે એ દર્શાવવામાં આવ્યું છે. એ સાથે આજની પેઢીના યુવાનો માટે એક સંદેશ પણ છે. ફિલ્મમાં અલગ અલગ મૂડનાં ચાર ગીતો પણ છે.
ફિલ્મનું શૂટિંગ ક્રૂઝ પર પણ કરવામાં આવ્યું છે.

અક્ષત ઈરાની અને યશ શાહની મોજ
આ અંગે ફિલ્મનાં નિર્માત્રી અને અભિનેત્રી સ્મિતા બારોટ કહે છે કે ક્રૂઝ પર ફિલ્માવાયેલા દૃશ્યો ફિલ્મની વાર્તાના ટર્નિંગ પોઇન્ટ છે. ક્રુઝ પર થયેલા શૂટિંગમાં બૉલીવુડના વિખ્યાત વિલન શક્તિ કપૂર ઉપરાંત ફિલ્મના બે હીરો અક્ષત ઈરાની અને યશ શાહ સહિત અન્ય કલાકારોએ ભાગ લીધો હતો. ગુજરાતી ફિલ્મમાં પહેલીવાર બેલે ડાન્સ પણ જોવા મળશે જે ક્રુઝ પર ફિલ્માવાયો છે.

સ્મિત વંદન ફિલ્મ પ્રોડક્શન બેનર હેઠળ બની રહેલી ફિલ્મના નિર્માતાઓ છે સ્મિતા બારોટ, મુકેશ પટેલ, શૈલેષ પટેલ, વંદના બી. રાવલ. રાજદીપના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મનું સંગીત શિવમ બાક્ષીનું છે તો ગીતો હેમંત, કેશવ રાઠોડ અને માહિલ પલ્લવીનાં છે. ઍક્શન કૉરિયોગ્રાફી દિલીપ યાદવની છે. કથા-પટકથા-સંવાદ રાજદીપના છે. તો કલાકારો છે અક્ષત ઇરાની, યશ શાહ, તનુ રાઠોડ, હૃદયા સિંગ, સાહિલ ખાન, શેખર શુક્લા, મીનાક્ષી, આત્મારામ ત્રિપાઠી, શાહરૂખ સાદરી, ભરત બ્રહ્મભટ્ટ, સ્મિતા બારોટ, વંદના રાવલ, એમિ, ડિમ્પલ, આસ્મી, રાજુ પંચાલ, દિવિંગ રાવલ, પંકજ પાઠક, જાગૃતિબહેન, પ્રવીણ, રોશની રાઠોડ, આશિષ સુખડવાલા, શક્તિ કપૂર અને રાજદીપ.