લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે ઑસ્કર નોમિનેશનની જાહેરાત ફરી મુલતવી

મતદાનનો સમય શુક્રવાર સુધી લંબાવાયો તો નોમિનેશનની જાહેરાત 23 જાન્યુઆરીએ કરાશે

લોસ એન્જલસમાં લાગેલી ભયાનક આગને કારણે ઍકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સીસે ફરી એક વાર નોમિનેશનની જાહેરાત મુલતવી રાખી છે. એ સાથે 10 ફેબ્રુઆરીએ યોજાનારા તેમના વાર્ષિક લંચના કાર્યક્રમને પણ રદ કર્યો છે.

ઑસ્કરનું આયોજન કરનાર સમિતિએ જણાવ્યું હતું કે મતદાન કરવાની મુદત પણ શુક્રવાર સુધી લંબાવવામાં આવી છે. તો નોમિનેશનની જાહેરાત 23 જાન્યુઆરીએ પેસિફિક સમયાનુસાર સવારે 5.30 વાગ્યે કરવામાં આવશે. નોમિનેશનની જાહેરાત અગાઉ શુક્રવારે થવાની હતી પણ ઍકેડેમીએ થોડા દિવસો માટે મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.

ઍકેડેમીના સીઇઓ બિલ ક્રેમર અને ચેરમેન જેનેટ યાંગે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે અનેક સભ્યોને ભારે નુકસાની સહેવી પડી છે. આગ હજુ પૂર્ણપણે કાબુમાં આવી નથી. એટલે અમને લાગે છે કે અમારા સભ્યોને વધુ સમય મળે એ માટે મતદાનનો સમય વધારવાની સાથે નોમિનેશનની તારીખ પણ લંબાવવી જરૂરી છે. 1982માં જેની શરૂઆત થઈ હતી એ ઍકેડેમી લંચનો કાર્યક્રમ જ્યાં નોમિનેટેડ લોકોના ફોટા લેવામાં આવે છે એ બીજી વાર રદ કરવામાં આવ્યો છે. આ અગાઉ કોરોના મહામારીને કારણે 2021માં કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. એ સાથે તેમણે જણાવ્યું હતું કે અમે નિર્ધારિત કાર્યક્રમની સમયાવધિમાં કરેલા ફેરફારને અમારી ઇન્ડસ્ટ્રીનું સમર્થન મળશે. ઑસ્કરનું પ્રસારણ 2 માર્ચના કરાશે. ઍકેડેમીએ વધુમાં જણાવ્યું કે અમે ફ્રન્ટલાઇન કાર્યકર્તાઓ જેમણે આગ ઓલવવામાં સહાય કરી હતી તેમનું સન્માન કરવા આતુર છીએ.

એક અલગ સંદેશમાં ઍકેડમીએ જણાવ્યું હતું કે ગ્રૅમી અવૉર્ડ નિર્ધારિત સમયાનુસાર બીજી ફેબ્રુઆરીના યોજાશે.

આ અગાઉ પણ નોમિનેશનની જાહેરાત મુલતવી રહી છે

2021માં કોરોના મહામારીને કારણે ઑસ્કર નોમિનેશન ફંક્શન સ્થગિત કરવામાં આવ્યું હતું. તો અવૉર્ડ ફંક્શનને પણ મુલતવી રાખવું પડ્યું હોય એવું બન્યું છે. 1931માં લોસ એન્જલસમાં આવેલા વિનાશકારી પૂરને કારણે સમારંભને એક અઠવાડિયું મુલતવી રાખવો પડ્યો હતો. જ્યારે 1968માં ડૉ.માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યાને પગલે ફંક્શન બે દિવસ મુલતવી રાખ્યું હતું. તો 1981માં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગનની વૉશિંગ્ટનમાં ગોળી મારી હત્યા કરવામાં આવી ત્યારે 24 કલાક માટે કાર્યક્રમ મુલતવી રખાયો હતો.

આગમાં હજારો કલાકાર કસબીઓને થયેલી નુકસાનીને ધ્યાનમાં રાખી કાર્યક્રમ મુલતવી રાખવાની માગણી કરી છે. પરંતુ ઍકેડેમીએ જણાવ્યું કે તેઓ કાર્યક્રમનું આયોજન ભવ્ય રીતે કરવા માગે છે.

Exit mobile version