રાહી મનવા દુખ કી ચિંતા (દોસ્તી), સાવન કા મહિના પવન કરે શોર (મિલન), એક પ્યાર કા નગમા હૈ (શોર), હમ તુમ એક કમરે મેં બંદ હો (બૉબી), હમ કો તુમસે હો ગયા હૈ પ્યાર (અમર અકબર એન્થની) જેવાં અનેક લોકપ્રિય ગીતોના સર્જક લક્ષ્મીકાત પ્યારેલાલે એક પણ ગુજરાતી ફિલ્મમાં સંગીત આપ્યું નહોતું. છતાં આ જોડીના લક્ષ્મીકાંતનો સંબંધ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે રહ્યો છે. કેવી રીતે એ જાણવા પહેલા લક્ષ્મીકાંત વિશે થોડુંક જાણીએ.
લક્ષ્મીકાંત શાંતારામ કુડાળકરનો જન્મ ૩ નવેમ્બર, ૧૯૩૭ના એક મધ્યમવર્ગીય મરાઠી પરિવારમાં થયો હતો. લક્ષ્મીપૂજનના દિવસે જન્મ થયો હોવાથી તેમનું નામ લક્ષ્મીકાંત રાખવામાં આવ્યું હતું. જોકે નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી. પરિવારની આર્થિક સ્થિતિ ઘણી નબળી હોવાથી લક્ષ્મીકાંત ભણતર પૂરું કરી શક્યા નહીં. દરમિયાન, પિતાના મિત્ર જેઓ પોતે એક સંગીતકાર હતા તેમણે લક્ષ્મીકાંત અને તેમના મોટાભાઈને સંગીત શીખવાની સલાહ આપી. વડીલની સલાહને માન આપી લક્ષ્મીકાંત મેંડોલિન અને તેમના મોટાભાઈએ તબલા શીખવાનું શરૂં કર્યું.
જોગીદાસ ખુમાણ ફિલ્મનું એક દૃશ્ય
જોકે ઘરની આર્થિક તંગીને પહોંચી વળવા લક્ષ્મીકાંતે ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કર્યું. બાળ કલાકાર તરીકે લક્ષ્મીકાંતની પહેલી ફિલ્મ હતી ૧૯૭૮માં આવેલી ગુજરાતી ફિલ્મ જોગીદાસ ખુમાણ. મનહર રસકપૂર દિગ્દર્શિત ફિલ્મના અન્ય કલાકારો હતા અરવિંદ, દલપત, વિમલ, ચાંપશીભઆઈ નાગડા, કુસુમ ઠક્કર, પ્રમિલા તથા અન્યો. ત્યાર બાદ તેમણે ભક્ત પુંડલિક (૧૯૪૯) અને આંખે (૧૯૫૦) જેવી ફિલ્મોમાં પણ બાળકલાકાર તરીકે કામ કર્યું હતું.
આમ સંગીતકાર લક્ષ્મીકાંતે સંગીતની નહીં પણ અભિનય પ્રતિભા વડે ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયા હતા.