નિર્માતા-દિગ્દર્શક ડૉ. કૃષ્ણા ચૌહાણની આગામી ફિલ્મ આત્મા ડૉટ કૉમનું મુહૂર્ત તાજેતરમાં મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ અવસરે સંગીતકાર દિલીપ સેન, અભિનેતા અલી ખાન, સ્ટેન્ડ અપ કૉમેડિયન એહસાન કુરેશી, ગીતકાર સુધાકર શર્મા અને ડૉ. પરીન સોમાણી સહિત અનેક આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ડૉ. કૃષ્ણા ચૌહાણે તેમના આલ્બમ જિક્ર તેરા પણ રિલીઝ કર્યું હતું. કૃષ્ણા ચૌહાણ પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત જિક્ર તેરા એક સોફ્ટ રોમાન્ટિક ટ્રેક છે.
આત્મા ડૉટ કૉમના સંગીતકાર છે દિલીપ સેન તો ગીતો લખ્યા છે સુધાકર શર્મા, ઇમરાન ઝેડ. સલમાની અને ગાઝી મોઈન. ફિલ્મની કથા-પટકથા-સંવાદ ગાઝી મોઈન અને પી. કે. ગુપ્તાના છે. કેસીએફ બેનર અંતર્ગત બની રહેલી હૉરર ફિલ્મ આત્મા ડૉટ કૉમની વાર્તા ઘણી અલગ હોવાનું અને દર્શકોને પસંદ પડે એવી હોવાનું કૃષ્ણા ચૌહાણે જણાવ્યું હતું.
ડૉ. કૃષ્ણા ચૌહાણ ફાઉન્ડેશન અંતર્ગત અનેક અવૉર્ડ્સનું આયોજન કરનાર કૃષ્ણા ચૌહાણ છેલ્લા બે દાયકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે અને તેમના અનુભવનો નીચોડ તેમની આગામી ફિલ્મ આત્મા ડૉટ કૉમમાં જોવા મળશે.