મોહિત રૈનાએ પહેર્યું રિયલ કૉપનું રિયલ બુલેટ પ્રૂફ જેકેટ

આઇપીએસ ઑફિસર નવનીત સિકેરાના જીવનથી પ્રેરિત એમએક્સ પ્લેયરની સિરીઝ ભૌકાલ તાજેતરમાં એન્ટરટેઇન્મેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર લાઇવ થઈ છે. ભૌકાલની વાર્તા 2003ના મુઝફ્ફરનગરની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. મુઝફ્ફરનગર ભારતના ક્રાઇમ કેપિટલ તરીકે વિખ્યાત છે. મોહિત રૈના આ સિરીઝમાં નવનીત સિકેરાનું પાત્ર ભજવી રહ્યા છે. આ સિરીઝના શૂટિંગ દરમ્યાન મોહિતને આઈપીએસ ઑફિસર નવનીત સિકેરાનું રિયલ બુલેટ પ્રૂફ જેકેટ પહેરવાનો મોકો મળ્યો હતો.

આ અંગે મોહિત રૈના કહે છે કે, મેં જ્યારે સ્ક્રિપ્ટ વાચી ત્યારે જ મને લાગ્યું કે આ સિરીઝ રોમાંચ અને ખતરનાક ઍક્શનથી ભરપુર હશે. નવનીત સર અસલી હીરો છે અને તેમનું જેકેટ પહેરવું એ કોઈ સન્માનથી ઓછું નથી. હું પહેલીવાર કોઈ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યો છું. આ જેકેટ પહેર્યા બાદ મને એ જવાબદારીનો અહેસાસ થયો જે તેમણે પોતાના શિર પર લીધી હતી. મેં આ સિરીઝના શૂટિંગ દરમ્યાન થોડા અઠવાડિયા માટે તેમનું પાત્ર ભજવ્યું હતું અને એ સમયે મને મારૂં જીવન ઉદ્દેશપૂર્ણ લાગ્યું હતું.

જતિન વાઘલે દ્વારા દિગ્દર્શિત 10 એપિસોડની આ સિરીઝમાં અભિમન્યુ સિંહ, સિદ્ધાંત કપૂર, બિદિતા બાગ, સની હિન્દુજા, રશ્મિ રાજપુત, પ્રદીપ નાગર અને ગુલ્કી જોશી મુખ્ય ભૂમિકા ભજવી છે. હરમન બાવેજા અને વિકી બાહરીની બાવેજા મૂવીઝે આ સિરીઝનું નિર્માણ કર્યું છે.

Exit mobile version