હૈદરાબાદ ખાતે યોજાઈ રહેલી ૭૨મી મિસ વર્લ્ડ ૨૦૨૫ની સ્પર્ધકોએ દેશના પ્રતિષ્ઠિત રામોજી ફિલ્મ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. વિશ્વના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયો કૉમ્પ્લેક્ષ તરીકે જેનું નામ ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોધાયેલું છે એવા બે હજાર એકરમાં ફેલાયેલા રામોજી સ્ટુડિયોને જોઇ દુનિયાભરથી આવેલી સુંદરીઓ આશ્ચર્યચકિત થઈ હતી. અહીંના વિવિધ સેટ્સ, અત્યાધુનિક પ્રોડક્શન સુવિધાઓ અને આકર્ષક લૅન્ડસ્કેપ માટે વિખ્યાત સ્ટુડિયો વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા માટે પર્ફેક્ટ પૃષ્ઠભૂમિ છે.
સ્પર્ધામાં ભાગ લઈ રહેલી ૧૦૮ સુંદરીઓનું સ્વાગત પરંપરાગત ભારતીય શૈલીથી કરવામાં આવ્યું હતું. રામોજી ફિલ્મ સિટીમાં તમામ સુંદરીઓને સ્ટુડિયોની વિન્ટેજ બસોની ડ્રાઇવ-થ્રુ ટુરમાં તેમને સ્ટુડિયો પરિસરના અનેક સ્થળોએ લઈ જવાઈ. જેમાં ભવ્ય વીઆઈપી ગેટ, સિતારા અને તારા હોટેલ, એન્જલ ફાઉન્ટન, હવા મહેલ, નર્તકી ગાર્ડન, અને હર્યાભર્યા વૃક્ષોથી સજાવાયેલી પામ સ્ટ્રીટ પણ સામેલ હતી. આ ટુરનું આકર્ષણ હતું બાહુબલીના સેટની મુલાકાત. મુલાકાત દરમિયાન તેમણે ફોટોશૂટ કરાવવાની સાથે સેલ્ફી પણ લીધી હતી. જ્યારે ટુરનું સમાપન મુગલ ગાર્ડન ખાતે થયું હતું. અહીં તેમણે લાઇવ પર્ફોર્મન્સનો આનંદ માણ્યો હતો.
ટુર બાદ મિસ વર્લ્ડ ઑર્ગેનાઇઝેશનની અધ્યક્ષા અને સીઈઓ જુલિયા મોર્લે સીબીઈએ કહ્યું કે, રામોજી ફિલ્મ સિટીની ટુર અમારી સ્પર્ધકો માટે અસાધારણ અનુભવ રહ્યો. સમગ્ર ટુર દરમિયાન અમારી સ્પર્ધકોને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીની ઝલક માણવા મળી. અને આવી જ ક્ષણો મિસ વર્લ્ડની યાત્રાને હકીકતમાં યાદગાર બનાવે છે.